બે વર્ષ પહેલાં બાંદરા-વરલી સી-લિન્ક પર સમડીને બચાવવા કાર રોકીને બહાર આવેલા અમર જરીવાલા અને તેમના ડ્રાઇવરને પાછળથી આવી રહેલી ટૅક્સીએ અડફેટે લેતાં બન્નેનાં મૃત્યુ થયાં હતાં. જોકે આ ઘટનામાં CCTV કૅમેરાના ફુટેજને મુખ્ય આધાર ગણીને મોટર ઍક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે નેપિયન સી રોડના વેપારીના પરિવારને આપ્યું તગડું કૉમ્પન્સેશન: ડ્રાઇવરના પરિવારને પણ ૨૦ લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું.
૨૦૨૨માં બાંદરા-વરલી સી-લિન્ક પર કારના વિન્ડશીલ્ડ સાથે અથડાયેલી સમડીને બચાવવા કાર રોકીને બહાર આવેલા કારમાલિક અમર જરીવાલા અને તેમના ડ્રાઇવરને પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કાળી-પીળી ટૅક્સીએ અડફેટે લેતાં તે બન્નેનાં મોત થયાં હતાં. આ કેસમાં ત્યાર બાદ તેમના વકીલો રાહુલ મહેતા અને નિખિલ મહેતા દ્વારા ઇન્શ્યૉરન્સ કંપની પાસે વળતરની માગણી કરવામાં આવી હતી. આ કેસમાં ગઈ કાલે મોટર ઍક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે CCTV કૅમેરાના ફુટેજને મુખ્ય આધાર ગણીને ક્લેમ પાસ કરતાં અમર જરીવાલાના પરિવારને ૨.૨ કરોડ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું, જ્યારે તેમના ડ્રાઇવરના પરિવારને પણ ૨૦ લાખ રૂપિયાનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે માહિતી આપતાં તેમના વકીલ રાહુલ મહેતાએ કહ્યું હતું કે ‘આ કેસમાં મુખ્ય એવિડન્સ સી-લિન્ક પર લગાડવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરાનાં ફુટેજ હતાં, જેમાં ઍક્સિડન્ટની ઘટના કેદ થઈ હતી. અમે ત્યાર બાદ મોટર ઍક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અમર જરીવાલા અને તેમના ડ્રાઇવર શ્યામસુંદર કામતના વળતર માટે અરજી કરી હતી. સ્પૉટનાં વિઝ્યુઅલ્સ હોવાને કારણે કેસ સરળ બની ગયો હતો. ઇન્શ્યૉરન્સ કંપનીએ પણ જોયું કે એમાં બચાવ કરવાનો કે ક્લેમ સેટલ ન કરવાનો કોઈ અર્થ નથી અને અમે પણ પ્રેશર નહોતું કર્યું. વળી ટ્રિબ્યુનલે નૅશનલ લોકઅદાલતના આ પહેલાંના કેસના ચુકાદાને પણ ગણતરીમાં લીધા હતા અને આખરે અમર જરીવાલાના પરિવારને ૨.૨ કરોડ રૂપિયાનું અને શ્યામસુંદર કામતના પરિવાર માટે ૨૦ લાખ રૂપિયાનું વળતર મંજૂર થયું હતું.’
દક્ષિણ મુંબઈમાં આવેલા નેપિયન સી રોડ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના ગુજરાતી જૈન વેપારી અમર જરીવાલા અને તેમના ડ્રાઇવરનું ૨૦૨૨ની ૩૦ મેએ બાંદરા-વરલી સી-લિન્ક પર એક ટૅક્સીએ ટક્કર મારતાં મૃત્યુ થયું હતું. કારના આગળના કાચ સાથે સમડી અથડાયા બાદ એ તરફડિયાં મારતી હતી એ જોઈને એને ઊંચકવા માટે જીવદયા પ્રેમી રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારી અમર જરીવાલા અને તેમનો ૪૧ વર્ષનો ડ્રાઇવર શ્યામસુંદર કામત કારમાંથી ઊતર્યા ત્યારે પૂરઝડપે આવી રહેલી કાળી-પીળી ટૅક્સીએ તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં અમર જરીવાલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હોવાથી તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સારવાર દરમ્યાન તેનું પણ મૃત્યુ થયું હતું. નેપિયન સી રોડ વિસ્તારમાં આવેલા શ્રીપાલનગરના મૂળ અમદાવાદના દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના અમર જરીવાલા કારમાં ડ્રાઇવર સાથે મલાડ જવા નીકળીને બાંદરા-વરલી સી-લિન્ક પર જતા હતા ત્યારે એક સમડી તેમની કારના કાચ સાથે અથડાઈને રસ્તામાં પડી ગઈ હતી. સમડીને બચાવવાના પ્રયાસમાં એ બન્નેનાં મોત થયાં હતાં.