સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડી પૂર આવી ગયા હતા. સુરત શહેરમાં ખાડી પૂરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા એ અને બી ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા.
સુરતમાં ભારે વરસાદને લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું હતું, તો બીજી તરફ પાણી ઓસરતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેંદ્ર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સુરતના ડેપ્યુટી મેયર હાલ એક વિવાદમાં સપાડાયા છે. મળતા અહેવાલ પ્રમાણે સ્થિતિની સમીક્ષા કરવા ડે.મેયર જેસ્થળ પર પહોંચ્યા હતા, તે સ્થળ પર ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ હતો, અને કાદવમાં પગ અને પેન્ટ ખરાબ ન થાય તે માટે સબ ફાયર ઓફિસરના ખભે ટીંગાઈ ગયા હતા.
નેતાજીએ ત્યારબાદ ફૂટપાથ પાર કરી હતી. એક તરફ ખાડી પૂરના કારણે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની હતી, બીજી તરફ ડે. મેયરની ટીંગાટોળી શહેરમાં ચર્ચાનું સ્થાન બન્યું હતું.
સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોએ આકરી ટીકાનો મારો ચલાવ્યો હતો. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે એ માટે તેમણે આવું કામ કર્યું હતું.