ઘણી વખત લોકો લગ્નમાં લખલૂટ ખર્ચ કરતા હોય છે તેમજ પોતાના લગ્નની કંકોત્રી પણ આકર્ષણ લાગે તે માટે મોટો ખર્ચ કરતા હોય છે એવામાં સુરતમાં રહેતા એક બેંક કર્મચારીએ પોતાના લગ્નની અનોખી કંકોત્રી છપાવી છે. આ કંકોત્રી અનોખી એટલા માટે છે કારણ કે આ કંકોત્રીમાં લોકોને સાયબર ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનો તો શું કરવું વેગેરે માહિતી અપાઈ છે આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ પણ અપાયો છે.
સુરતમાં બેંકમાં કામ કરતા સાગર કાજાવદરા અને નેન્સીના લગ્ન 9 માર્ચ 2025ના રોજ છે. લગ્ન માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આ બધા વચ્ચે લોકોને જાગૃત કરતી કંકોત્રી તેઓએ છપાવી છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે, આ લગ્નની કંકોત્રીમાં સાયબર ફ્રોડ વિષે અને ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ પણ અપાયો છે.
મહત્વનું છે કે ટેકનોલોજીના આ યુગમાં સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. ઘણી વખત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો પોતાના જીવનભરની મૂડી પણ ગુમાવી બેસે છે તો બીજી તરફ ઘણી વખત ટ્રાફિકનિયમના ભંગ અને ઓવરસ્પીડના કારણે અકસ્માતમાં લોકોના જીવ પણ જાય છે ત્યારે સાગરે પોતાની લગ્ન કંકોત્રીમાં આ બે ખાસ મુદ્દા આવરી લીધા છે અને લોકોમાં આ પ્રત્યે જાગૃતતા આવે તે માટે અનોખો મેસેજ પોતાના લગ્નની કંકોત્રી થકી આપ્યો છે. સાગરે જે લગ્ન કંકોત્રી છપાવી છે તેમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નબર, સાયબર ક્રાઈમથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તેમજ ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ અપાયો છે.
સાગરભાઈએ જણાવ્યું હતું કે મેં મારા લગ્નની કંકોત્રી ટ્રાફિક અને સાયબર ક્રાઈમને લગતી છપાવી છે. રોજબરોજ સાયબર ક્રાઈમ લોકો સાથે થાય છે આ ઉપરાંત પોલીસ અને સરકાર ટ્રાફિકને લઈને કામગીરી તો કરી જ રહી છે પણ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેથી આ કંકોત્રી થકી એક સામાજીક મેસેજ જાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે આ કંકોત્રી છપાવી છે.
વધુમાં જણાવ્યું હતું કે હું પોતે બેંકમાં કામ કરું છું, મને ખ્યાલ છે કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે તેવા સામાન્ય લોકો પણ સાયબર ફ્રોડનો ભોગ બને છે. અને ગણતરીની સેકન્ડમાં તેઓમાં જાગૃત્તતા ના હોવાના કારણે તેઓની મૂડી જતી રહેતી હોય છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે અને લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને તે માટે લોકોને સામાજિક સંદેશો આપતી લગ્નની કંકોત્રી છપાવી છે.