આગ લાગવાનાં ચોક્કસ કારણો હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના કોતવાલી મોહમ્મદી ક્ષેત્રના એક ગામમાં એક રહસ્યમય ઘટના બની રહી છે. બે દિવસમાં પંદર વાર આ ઘરમાં અલગ-અલગ જગ્યાએ આગ લાગી છે. પરિવારનું કહેવું છે કે અચાનક જ તેમના ઘરમાં ગમે ત્યાં આગ શરૂ થઈ જાય છે અને તરત જ એને શમાવવા માટે તેઓ મચી પડે છે. બે દિવસમાં પંદર વાર અલગ-અલગ જગ્યાએ આગ લાગી હોવાથી ઘરનો બધો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
આવું કેમ થાય છે એની હજી સુધી ખબર નથી પડતી. શુક્રવારે શરૂ થયેલા આ દોરમાં શનિવારની બપોર સુધીમાં પડદામાં, બેડમાં, લાકડાના કબાટમાં એમ લગભગ પંદર જગ્યાએ આગ લાગી હતી, જેને તરત બુઝાવી દેવામાં આવી હતી.