આગામી ત્રણ દિવસ રાજયના અનેક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગાંધીનગરમાં ઝરમર વરસાદની સાથે માણસા તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા માત્ર બે અઢી કલાકના ગાળામાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેનાં કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતને મેઘરાજા તોફાની બેટિંગ કરે એવી સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યાં બાદ હવે ઉતર ગુજરાતમાં પધરામણી કરી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વરસાદની એન્ટ્રી થઇ છે.
ત્યારે આજે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી ઝરમર તો કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે માણસા તાલુકામાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે. વરસાદના કારણે માણસા શહેર અને તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. તો સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.
આજ સવારથી ગાંધીનગર જિલ્લામાં વરસાદની પધરામણી થઈ છે. જો કે ગાંધીનગર, દહેગામ, કલોલને બાદ કરતાં માણસા તાલુકામાં મેઘરાજાએ બે અઢી કલાક સુધી તોફાની બેટિંગ કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માણસા પંથકમાં મેઘરાજાની સવારી પહોંચતા નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર જીલ્લામાં ધોધમાર વરસાદની રાહ કાગડોળે લોકો જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગાંધીનગરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જો કે વરસાદી માહોલ વચ્ચે ઝરમરની સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. તો માણસામાં બે અઢી કલાકના ગાળામાં ચારેક ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે હાલમાં વરસાદનું જોર ઘટી જવાની સાથે ઝરમર વરસાદનું આવન જાવન થઈ રહ્યું છે.