ગુજરાતમાં મંત્રીનો પરિવાર જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે ? એવો સવાલ હાલ ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે રહેતા લોકો પૂછી રહ્યા છે. કારણ કે, અંબાજીમાં ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં મોટાભાઈની મેડિકલ સ્ટોર પર દિવસ દરમિયાન જાહેરમાં પથ્થરોમારો થયો હોવાની ઘટના બની છે.આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ કે જ્યાં દેશ-વિદેશથી લોકો માં અંબાનાં દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. અંબાજી કે જેને માં અંબાનું પવિત્ર ધામ માનવામાં આવે છે. તે હાલ કેટલાક અસામાજિક તત્વોનાં કારણે સમસ્યામાં મૂકાયું છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. થોડા દિવસોથી અનેકો ગુનાહિત ધટનાઓ અંબાજીથી સામે આવી છે. અંબાજીમાં અગાઉ ઘરમાં ચોરી, બાઈકની ચોરી અને હાઇવે માર્ગ પર પસાર થતાં લોકો જોડેથી માલ-સામાન અને મોબાઈલ છીનવી ઇસમો ભાગી ગયા હોવા જેવી અનેકો ધટનાઓ ઘટિત થઈ રહી છે. ત્યારે આજે મોડી સાંજે અંબાજીમાં હચમચાવે એવી ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, યાત્રાધામ અંબાજીનાં બજારમાં આવેલી મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ કે જે ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં મોટાભાઈની છે ત્યાં કેટલાક અસામાજિક તત્વો પહોંચ્યા હતા અને લોકોથી ધમધમતા બજારમાં જાહેરમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ હુમલાને લઈને સમગ્ર અંબાજીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંબાજી પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ બહાર એક વ્યક્તિને અમુક લોકો હેરાન કરતા હતા. ત્યારે મેડિકલ સ્ટોર્સવાળાએ ના પાડતા આ અજ્ઞાત વ્યક્તિઓએ મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. અંબાજી પોલીસનાં જણાવ્યા મુજબ, ત્યાં શાકભાજીની લારી ઊભી હતી અને ત્યાંથી બટાકાઓ, બીટ લઈને છુટ્ટા હાથે મેડિકલ સ્ટોર્સ પર મારવામાં આવ્યા હતા અને ત્યાં મેડિકલ સ્ટોર્સ પર કામ કરતા માણસોને પણ માર માર્યો હતો. આ સમગ્ર મામલે અંબાજી પોલીસ મથકે મેડિકલ સ્ટોર્સ તરફથી ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે અંબાજી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો અંબાજી પાસેનાં એક ગામનાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર જઈને CCTV કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરવામાં આવ્યું છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે.