રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં જ્યારે ચુકાદો આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે જમીન આપવાનો આદેશ પણ આપ્યો હતો. પ્રશાસને અયોધ્યામાં જ ધન્નીપુર વિસ્તારમાં આવેલી આ જમીન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને આપી હતી. પરંતુ હવે, મસ્જિદનું બાંધકામ શરૂ થાય તે પહેલાં, એક મહિલાએ આ જમીન પોતાની હોવાનો દાવો કર્યો છે.તેમનું કહેવું છે કે આ જમીન તેમના પરિવારની છે અને તેથી તેમને તેનો કબજો આપવામાં આવે.
દિલ્હીની રહેવાસી રાની પંજાબીએ આ અંગે મીડિયા સૂત્રોની સાથે વાત કરી છે. તેણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 2019માં અયોધ્યામાં મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે જે પાંચ એકર જમીન આપી હતી, તે તેના પરિવારની 28.35 એકર જમીનનો ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે તેમના પિતા જ્ઞાનચંદ પંજાબી દેશના ભાગલા પછી પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા. આ પછી તે UPના ફૈઝાબાદ જિલ્લો (હાલનો અયોધ્યા જિલ્લો) ગયો, જ્યાં તેમને 28.35 એકર જમીન ફાળવવામાં આવી હતી.
રાની પંજાબીના કહેવા પ્રમાણે, તેના પિતાએ આ જમીન પર 1983 સુધી ખેતી કરી હતી. પરંતુ, જ્યારે તેના પિતાની તબિયત બગડી તો પરિવાર તેની સારવાર માટે દિલ્હી રહેવા લાગ્યો. તેમણે દાવો કર્યો હતો કે, ત્યારથી આ જમીન પર ધીમે ધીમે અતિક્રમણ કરવામાં આવ્યું છે. રાની કહે છે કે, તેને મસ્જિદના નિર્માણ સામે કોઈ વાંધો નથી, પરંતુ તે ઈચ્છે છે કે પ્રશાસન તેની સાથે ન્યાય કરે. રાનીનું કહેવું છે કે, તેની પાસે જમીનના માલિકીના દસ્તાવેજો છે અને હવે તે ટૂંક સમયમાં તે દસ્તાવેજો સાથે સુપ્રીમ કોર્ટમાં જશે.
બીજી તરફ મસ્જિદ બનાવવા માટે રચાયેલા ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના વડા ઝુફર ફારૂકીએ રાની પંજાબીના દાવાઓને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, રાનીના દાવાને અલ્હાબાદ હાઈકોર્ટે 2021માં જ ફગાવી દીધા હતા. ફારૂકી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ છે. માહિતી આપતાં તેમણે એમ પણ કહ્યું કે, મસ્જિદનું નિર્માણ ઓક્ટોબર 2024થી શરૂ કરવામાં આવશે.
મસ્જિદ કન્સ્ટ્રક્શન ટ્રસ્ટ સાથે જોડાયેલા અન્ય એક અધિકારીએ પણ રાની પંજાબીના દાવા અંગે મીડિયા સૂત્રોને કેટલીક માહિતી આપી છે. નામ જાહેર ન કરવાની શરતે, આ અધિકારીએ કહ્યું કે, તે રાણી પંજાબીને ઘણી વખત મળ્યો છે અને તેને કહ્યું છે કે વિવાદિત જમીન પર મસ્જિદ બનાવવાની ઇસ્લામમાં મંજૂરી નથી, તેથી તેણે તેના દાવા માટે નક્કર પુરાવા દર્શાવવા જોઈએ. આ અધિકારીના કહેવા પ્રમાણે, રાની તેમને જમીનની માલિકી અંગે કોઈ નક્કર દસ્તાવેજ બતાવી શકી ન હતી.