ગાંધીનગરનાં પોર ગામે અગાસીયાવાળી સીમમાં બાવળની ઝાડીઓની વચ્ચે ખુલ્લી જગ્યામાં જુગારની બાઝી માંડીને બેઠેલા ચાર જુગારીને અડાલજ પોલીસે 49 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે જુગારીઓ હાથતાળી આપીને નાસી જતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે,પોર ગામ ખાતે અગાસીયાવાળી સીમમાં બાવળની ઝાડીઓની વચ્ચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો પોતાના અંગત આર્થીક ફાયદા સારુ પૈસાથી જુગાર રમી રમાડે છે. જે હકીકતના આધારે થોડેક દૂર વાહન ઉભા રાખી ચાલતા ચાલતા બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી. જોકે દૂરથી જ પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેથી પોલીસે મેરેથોન દોડ લગાવીને ચાર ઈસમોને પકડી લીધા હતા. જ્યારે અન્ય બે ઈસમો પોલીસને હાથતાળી આપીને નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં પોલીસે પકડાયેલા ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ઘનશ્યામ મહોતજી ઠાકોર, પ્રવિણ ઉર્ફે પપ્પુ બુધાભાઈ પરમાર, વિષ્ણુજી ગાંડાજી ઠાકોર અને બળદેવજી રાવજીજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસી ગયેલા ઈસમો શૈલેષ ઉર્ફે સલ્લો રણછોડભાઈ ઠાકોર, જગદીશ પુંજાજી ઠાકોર હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે અંગ ઝડતી અને દાવ પરથી 49 હજારથી વધુની રોકડ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરી ચારેય જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.