ગાંધીનગરમાં ગઈકાલે સોમવારે આખો દિવસ વરસેલા વરસાદનાં કારણે સ્માર્ટ સીટીની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલા ખાડાઓમાં યોગ્ય માટીનું પુરાણ નહીં કરવાનાં કારણે મસમોટા ભૂવા પડવા લાગ્યા છે. શહેરમાં ખ – 7 સર્કલ પાસે ભૂવા પડવાથી સાબરમતી સીએનજી ગેસ નો ટેમ્પો તેમજ બે ગાડીઓ ખાડામાં ફસાઈ ગઈ હતી. જેની જાણ થતાં થતાં ટ્રાફિક પોલીસ દ્વારા ક્રેન મોકલીને વાહનો બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા માર્ગો પણ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ગયા છે. મહાનગરપાલિકા અને જવાબદાર તંત્રએ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન બનાવી દીધો હતો. પરંતુ વરસાદના આગમન સાથે જ આ આખો એક્શન પ્લાન પાણીની જેમ ધોવાઈ ગયો છે. ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હરીફાઈમાં તંત્રએ આડેધડ ઠેર ઠેર ખાડા ખોદી નાખી ડ્રેનેજ-પાણીની પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરી કરી યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરાયાની નગરજનોએ કરેલી ફરીયાદો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતાં રહે છે. ગાંધીનગરમાં ડ્રેનેજ-પાણીની પાઈપ લાઈન બિછાવવાની છેલ્લા દોઢ બે વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ નહીં થતાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ માત્રને માત્ર નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે. ગયા મહિને વરસેલા પ્રથમ વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો અને સેકટરનાં આંતરીક વિસ્તારોમાં પાઈપ લાઈન માટે ખોદેલા ખાડાઓનું યોગ્ય પુરાણ નહીં કરાતાં રોડ બેસી જવાની સાથે ભૂવા પડ્યા હતા. એ વખતે નગરજનોનો રોષ ભભૂકી ઉઠતાં તંત્રએ યુદ્ધના ધોરણે ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે લાંબા સમયના વિરામ પછી છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદે ફરી પાછી તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે.
ગાંધીનગરના ખ – 7 મુખ્ય રોડને અડીને મસમોટા ભૂવા પડવાથી વાહનો ફસાઈ ગયા હતા. અત્રેના રોડ પર સાબરમતી સીએનજી ગેસનો ટેમ્પો તેમજ બે ગાડીઓ ભૂવામાં ફસાઈ ગઈ હતી. તો રોડ પણ સામાન્ય વરસાદમાં ધોવાઈને તૂટી જતાં પાઈપ લાઈનની ગટરની ચેમ્બર પણ દેખાવા લાગી છે. ત્યારે અહીં વાહનો ફસાયા હોવાની જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા ક્રેન મોકલીને વાહનોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. બીજી તરફ છાશવારે પડતાં ભૂવાથી કાયમી છુટકારો અપાવવા નગરજનોમાં માંગ ઉઠી છે.