અમદાવાદના GMDC ગ્રાઉન્ડ માં 25 ઓગસ્ટ 2015ના દિવસે પાટીદાર અનામત આંદોલનની મોટી સભા થઇ હતી, જ્યા પોલીસ દ્વારા પાટીદારો પર લાઠીઓનો મારો ચલાવાયો હતો, આ મામલે તપાસ કરી રહેલા પૂંજ કમિશને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને અમરીશ પટેલ સહિતના પાટીદાર નેતાઓને નોટિસ મોકલીને હાજર રહેવા નોટિસ ફટકારી છે, હાર્દિક પટેલને 16 સપ્ટેમ્બરે હાજર રહેવા નોટિસ ફટકારી છે, જ્યારે ચિરાગ પટેલને 21 સપ્ટેમ્બરે હાજર થવા જણાવ્યું છે.
સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજને સરકારી નોકરી અને અભ્યાસમાં અનામત મળે તે માટે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં જનસભા યોજાઈ હતી, જ્યા લાખોની સંખ્યામાં પાટીદારો આવ્યાં હતા, હાર્દિક પટેલના ભાષણ બાદ અહી પોલીસે પાટીદારો પર લાઠીઓનો વરસાદ કર્યો હતો, જેમાં અનેક પાટીદારો ઘાયલ થયા હતા અને પછી ભડકેલી હીંસામાં રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પાટીદાર સમાજના ૧૪ યુવાનો મૃત્યુ પામ્યા હતા.
સરકાર સમક્ષ ખુબ રજુઆતો બાદ આ કેસની તપાસ માટે ઓક્ટોબર 2017માં ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એ.પૂંજની અધ્યક્ષતામાં પૂંજ કમિશનની રચના કરવામાં આવી હતી, જેમાં જવાબ રજૂ કરવા પાટીદાર નેતાઓને નોટિસ મોકલવામાં આવી છે, ચાલુ મહિનાના અંત સુધીમાં તપાસ પંચની મુદ્દત પૂર્ણ થઇ રહી છે, અને આગામી 30 સપ્ટેમ્બર સુધી પંચ દ્વારા રાજ્ય સરકારને આ મામલે રિપોર્ટ સોંપી દેવામાં આવશે, જેથી હવે કેસની તપાસ ઝડપથી થઇ રહી છે.
આ તપાસ નો રીપોર્ટ સોપાયા બાદ જલ્દીથી કોઈ તારણો બહાર આવી શકે છે. આ રીપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે પાટીદારો પર થયેલા દમન બાબતે ગુજરાત પોલીસ અને રમખાણો થવા પાછળ જવાબદાર વ્યક્તિઓને કલીનચીટ મળે છે કે નહી.