ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક હેઠળ દેશની કોઈપણ બેંકમાં ખાતું ધરાવતી વ્યક્તિ કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી આધાર નંબરને આધારે પૈસા ઉપાડી શકશે. ખાતાધારકનું બેંક ખાતું આધાર નંબર સાથે લિંક થયેલું હોવું જરૂરી છે. ખાતાધારકે આધાર નંબર સાથે મોબાઇલ નંબર તેમજ ફોટો આઈડી આપવાનો રહેશે. પોસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદની 100થી વધુ મળી જિલ્લાની 435 તેમજ રાજ્યની 8250 પોસ્ટ ઓફિસમાં બેંક અકાઉન્ટ ધારકોને આ સુવિધા મળશે. જેમાં વ્યક્તિ એકવારમાં રૂ.100થી રૂ.10000 સુધી પોસ્ટ ઓફિસમાંથી ઉપાડી શકશે. ગ્રાહકે આધાર નંબરની સાથે મોબાઈલ નંબર તેમજ ફોટો આઈડી બતાવવું પડશે. જે અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા હોય તેનો વિકલ્પ પસંદ કરી ઉપાડ થઈ શકશે. રૂપિયા ઉપાડતી વખતે મોબાઈલ પર ઓટીપી આવશે, જે નાખતા પાંચ મિનિટમાં પૈસા મળશે. અધિકારીએ જણાવ્યું કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો ગ્રાહક હોય કે ન હોય પણ આ સુવિધાનો લાભ લઈ શકશે.
એસબીઆઈ, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, યુકો બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, આઈડીબીઆઈ સહિત કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ બેંકમાં વ્યક્તિનું અકાઉન્ટ હોય તેને આ સુવિધાનો લાભ મળશે. દેશમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી)ની શરૂઆત એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી. આઈપીપીબીમાં કોઈપણ વ્યક્તિ 0થી 5000 રૂપિયા સુધી જમા કરી ખાતું ખોલાવી શકે છે. આ બેંકની મદદથી રિકરિંગ, સુકન્યા યોજના, પીપીએફ યોજના ઉપરાંત મોબાઈલ બિલ, કોઈપણ રિચાર્જ , વીજ બિલ, ટેક્સ બિલ, પાણીનું બિલ, લોન, વીમાની રકમ સહિત તમામ પ્રકારની ઓનલાઈન ચુકવણી કરી શકાય છે.