સુરત શહેરમાં ભારે વરસાદ બાદ આવેલા ખાડી પૂર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ પૂર દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે ફાયરકર્મીના ખભે ચડી ગયા હતા.આ મુદ્દે ભારે વિરોધ થયો હતો અને અનેક લોકોએ તેમના આ કૃત્યને વખોડી કાઢ્યું હતું. આ મામલે મેયરના ફોટો અને વિડીયો પણ વાયરલ થયા હતા. ભારે વિવાદ બાદ આજે વિરોધ પક્ષના સભ્યો દ્વારા સામાન્ય સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો.
મોગલીસરા ખાતે સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ટેડીબેર પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભે બેસાડી નેતાઓએ વિરોધ કર્યો હતો. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરતા નેતાઓને SMC માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા.જોકે સભાખંડની બહાર જ સિક્યુરિટી ગાર્ડએ ટેડી બિયરને અંદર લઈ જવા દીધું ન હતું. જેના કારણે ભારે હોબાળો થયો હતો. નરેન્દ્ર પાટીલના ફોટો વાળું ટેડીબેર માર્શલો દ્વારા કબ્જે લીધું હતું.
વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે,સુરત શહેરની અંદર પુર આવ્યા હતા. એમાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો એ જ જગ્યા પર જો જનતાના અધિકારી આવા નાટક કરે તો તે પ્રતિનિધિને શોભે નહીં. આ ખુબ નિંદનીય વાત છે. ડેપ્યુટી મેયરને આ શોભતું નથી.
નોંધનીય છે કે ,સુરતમાં ભારે વરસાદને પગલે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા જ્યારે પાણીનું સ્તર ઘટ્યું તો ભાજપ નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી મેયર પર્વત પાટિયામાં વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં 2 ફૂટ જેટલો કાદવ હતો. આ કાદવથી બચવા માટે નરેન્દ્ર પાટીલ ફાયરકર્મીના ખભે ચડી ગયા હતા અને રસ્તો ક્રોસ કર્યો હતો. આ ઘટનાના ફોટા વાયરલ થતા લોકોએ તેને નિંદનીય કામ કાણાવ્યું હતું.
આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ ડેપ્યુટી મેયર અને ભાજપ પર તૂટી પડ્યા હતા.તેમજ સરકાર કઈ રીતે કામ કરી રહી છે તે મુદ્દે પણ કટાક્ષ કર્યા હતા. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે એ માટે તેમણે આ કામ કર્યું હતું એવી લોકો દ્વારા આકરી ટીકાઓ કરવામાં આવી હતી.