ગાંધીનગર જિલ્લાના નાગરિકોમાં દેશભાવને ઉજાગર અને વધુ પ્રબળ બનાવવાના ઉમદા ભાવ સાથે તા. ૧૦ થી ૧૩મી ઓગસ્ટ દરમ્યાન ’ હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અઘ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે એ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ કરતાં દેશ પ્રત્યેના આદર-ભાવને ઉજાગર અને નિષ્ઠા- કર્તવ્યને અદા કરવાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં આપણે સૌએ એક સરકારી કર્મયોગી તરીકે નહિ, પણ ભારત દેશના નાગરિક હોવાના ગૌરવ સાથે જોડાવાનું છે. આ કાર્યક્રમના સુંદર આયોજન માટે સ્થાનિક નાગરિકમાં રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાની આપણી સરકારી કર્મયોગી તરીકે પ્રથમ ફરજ છે. આ કાર્યક્રમ થકી શાળાના બાળકો સાથે સાથે આપણે સૌએ ઘરના ભુલકાઓથી માંડી યુવા પેઢીને મહામુલી આઝાદીમાં શહીદ થનાર વીર શહીદોની કથાઓથી વાકેફ કરવા જોઇએ.
ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશના રાષ્ટ્રીય પર્વ એવા સ્વાતંત્રય દિનના રંગે સૌ કોઇ રંગાય તેવો માહોલ ઉભો કરવાનો છે. આ માટે ગામેગામ આગામી તા. ૧૦ થી ૧૩મી ઓગસ્ટ દરમ્યાન તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તેમજ તાલુકા કક્ષાએ પણ બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. જેમાં શાળા- કોલેજાના વિદ્યાર્થીઓ સાથે સ્થાનિક નાગરિકો યાત્રામાં સહભાગી બનશે. શાળાના બાળકોને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ર્ડા. બાબાસાહેબ આંબેડકર, વીર ભગતસિંહ, સુખદેવસિંહ જેવી વેશભૂષામાં જોડાશે. તેમજ દરેક શાળાના બાળકો પોતાની શાળાનું બેનર લઇ આ યાત્રામાં જોડાશે. દેશ ભક્તિને ઉજાગર કરતાં નારા-સુત્રોચ્ચાર સાથે રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરશે. તેની સાથે શાળા થી કોલેજા સુધી આ દિવસો દરમ્યાન વકતૃત્વ, ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રીએ સ્થાનિક કક્ષાએ પણ આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય યોજાય તે માટે તમામ પ્રાંત અધિકારીઓ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને સ્થાનિક અધિકારીઓ, શાળા-કોલેજાના આર્ચાયશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ સહિત વિવિધ સંસ્થાઓ સાથે બેઠક કરીને કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવાનું સુચારું આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં પણ આ રેલીનું આયોજન કુડાસણ ખાતેથી કરવામાં આવશે, તેવું મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાધેલાએ જણાવ્યું હતુ. તેમણે મહાનગરપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગાના કાર્યક્રમને સાર્થક કરવા માટે દોઢ લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ આ કાર્યક્રમમાં સહભાગી થનાર સર્વે નાગરિકો અને અધિકારીઓને દેશ પ્રત્યેના પોતાના ભાવને એક સેલ્ફી લઇ પોતાના વોટૂસએપ સ્ટેટસ, ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યિલ મીડિયા પર મુકવા અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, પ્રાંત અધિકારી શ્રી જૈનિલ દેસાઇ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એમ.ભોરણિયા, તમામ મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.