તમિલનાડુના પરિવહન મંત્રી એસએસ શિવશંકરે શુક્રવારે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. અહેવાલ મુજબ, તેમણે કહ્યું છે કે ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે આપણી સમક્ષ કોઈ પુરાતત્વીય પુરાવા અથવા ઐતિહાસિક રેકોર્ડ નથી.
શિવશંકરે રાજેન્દ્ર ચોલાની જન્મશતાબ્દી નિમિત્તે અરિયાલુર જિલ્લાના બૃહદેશ્વર મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું- આપણે ચોલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચોલાનો જન્મદિવસ ઉજવીએ છીએ કારણ કે આપણી પાસે શિલાલેખ જેવા પુરાવા છે.
તેમણે કહ્યું કે આપણી પાસે ભગવાન રામના ઈતિહાસને તપાસવા માટે કોઈ પુરાવા નથી. જો રામ અવતાર હોત તો તે જન્મ્યા ન હોત, જો તે જન્મ્યા હોય તો ભગવાન ન હોઈ શકે.
શિવશંકરે કહ્યું કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન રામ 3,000 વર્ષ પહેલાં હતા. આ દાવાઓનો ઉદ્દેશ્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો છે. તેમનો ઉદ્દેશ્ય તમિલોના ઈતિહાસને દબાવવાનો છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ આ લોકોના ખોટા ઈરાદાને પહેલાથી જ સમજી ગયા હતા.
કરુણાનિધિએ તમિલોની સંસ્કૃતિને બચાવવા અને વધારવા માટે ઘણાં પગલાં લીધાં. તેમણે સ્પષ્ટપણે તમિલોની ઓળખ સમાજ સમક્ષ મૂકી. કરુણાનિધિ રામાયણ અને મહાભારતના વિરોધી હતા. રામાયણ અને મહાભારત ઘણી સદીઓથી થોપવામાં આવ્યા છે.
શિવશંકરના નિવેદનને લઈને તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું- DMKમાં અચાનક રામ પ્રત્યેનું જુનૂન જોવા જેવું છે. ડીએમકેના લોકો બહુ ઝડપથી ભૂલી જાય છે. DMKએ ચોલ વંશના સેંગોલની સ્થાપના માટે આપણા વડાપ્રધાન મોદીનો વિરોધ કર્યો હતો.
ડીએમકેને લાગે છે કે તેમનો ઈતિહાસ 1967માં શરૂ થયો હતો. તેઓને દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રત્યેના પ્રેમનો અચાનક અહેસાસ થયો છે. શિવશંકરે ભગવાન રામ વિશે થોડી માહિતી મેળવવી જોઈએ.
DMK નેતા ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 20 સપ્ટેમ્બર 2023ના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં આમંત્રિત ન કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ મુર્મુને આ કારણોસર આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, કારણ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે.
ડીએમકે સાંસદ એ રાજાએ 3 માર્ચે ભારતને એક દેશ માનવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત ક્યારેય એક દેશ ન હતો. દેશ એટલે એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરા હોય, તો તે દેશ કહેવાય.
DMK સાંસદ ડૉ. સેંથિલ કુમારે 5 ડિસેમ્બરે લોકસભામાં કહ્યું હતું કે ભાજપની તાકાત માત્ર એ હિંદી બેલ્ટના રાજ્યોને જીતવાની છે, જેને સામાન્ય રીતે ગૌમૂત્ર રાજ્ય કહેવાય છે. દક્ષિણના રાજ્યોમાં ભાજપને ઘુસવા નહીં દઈએ.
ડીએમકે સાંસદ દયાનિધિ મારને કહ્યું કે યુપી-બિહારના હિન્દી ભાષી લોકો અમારા રાજ્યમાં આવે છે અને શૌચાલય અને રસ્તાઓ સાફ કરે છે. તેઓ માત્ર હિન્દી શીખે છે. તેમને અંગ્રેજી કેવી રીતે બોલવું તે આવડતું નથી. જેઓ અંગ્રેજી શીખે છે તેમને આઈટી કંપનીઓમાં સારી નોકરી મળે છે.
તમિલનાડુના મંત્રી ટીએમ અન્બરાસને 14 માર્ચે પીએમ મોદી વિશે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘હું હવે શાંતિ જાળવી રહ્યો છું કારણ કે હું મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો તેમના (પીએમ મોદી) ટુકડા કરી નાખત.