મહારાષ્ટ્રના થાણે શહેરની એક યુવતી પાકિસ્તાન ગઈ હતી. ત્યાં જઈને ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. આ 24 વર્ષની યુવતીનું નામ સનમ ખાન છે. પાકિસ્તાન જવા માટે સનમે પહેલા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા અને પછી તેના આધારે વિઝા મેળવ્યા. જ્યારે યુવતી પરત આવી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પાકિસ્તાન જઈને લગ્ન કરવાની આખી વાત યુવતીએ પોતે જ જણાવી છે.
મહારાષ્ટ્ર પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય એક શખ્સ પણ ઝડપાયો હતો. બંને સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કિસ્સો લગભગ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન જઈને લગ્ન કરનાર અંજુ જેવો જ છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, થાણેની રહેવાસી 24 વર્ષની નગમા નૂર મકસૂદ ઉર્ફે સનમ ખાનની સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક યુવક સાથે મિત્રતા થઈ હતી. સનમ પરિણીત હતી. પતિથી અલગ થયા પછી તે માતા અને પુત્રી સાથે રહે છે. સોશિયલ મીડિયા પર જેની સાથે તેની મિત્રતા થઈ તે છોકરો પાકિસ્તાનના એબોટાબાદમાં રહે છે.
સનમ તેની પાસે જવા માંગતી હતી, પરંતુ તેને વિઝા ન મળી શક્યા. આ પછી તેણે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા અને વિઝા મેળવ્યા. આ પછી તે પાકિસ્તાન ગઈ અને ત્યાં જઈને તેના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા.
પોલીસનું કહેવું છે કે યુવતીએ પાકિસ્તાની વિઝા મેળવવા માટે સનમ ખાન રૂખના નામની નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો. પોલીસે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના આરોપમાં યુવતી સાથે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ યુવતીને નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરી હતી. થાણે પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આ બાબત અંગે વર્તક નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, નગમા નૂર મકસૂદ અલી ઉર્ફે સનમ ખાને પોતાનું નામ બદલીને લોકમાન્ય નગરના એક સેન્ટરમાંથી આધાર અને પાન કાર્ડ મેળવ્યું હતું. તેણે તેની પુત્રીનું જન્મ પ્રમાણપત્ર પણ બનાવ્યું હતું. આ પછી તેણે પાસપોર્ટ અને વિઝા માટે આ જ દસ્તાવેજ જમા કરાવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, આ સમગ્ર મામલો મે 2023 અને 2024 વચ્ચે બન્યો હતો.
આ મામલો સામે આવ્યા પછી સનમ ખાનની માતાએ કહ્યું કે, તેની પુત્રીએ વિઝા મેળવવા માટે તેના લગ્નના દસ્તાવેજો સહિત અસલ દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેણે કહ્યું કે, કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે તેણે પોતાનું નામ ઓનલાઈન બદલ્યું છે. હાલ યુવતી પાકિસ્તાનથી પરત ફરી છે અને તેના ઘરે છે. મહારાષ્ટ્ર પોલીસે ભારતીય પાસપોર્ટ એક્ટ અને અન્ય બાબતો હેઠળ યુવતી તેમજ નકલી દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે.
આ સમગ્ર મામલે નગમા નૂર કહે છે કે, મને સનમ નામ ખૂબ જ ગમ્યું. સનમ ફિલ્મ જોયા પછી મારું નામ બદલી નાખ્યું. મેં તે સમયે મારી માતાને પણ કહ્યું ન હતું, જોકે મેં તેને પછીથી કહ્યું હતું કે, મેં 2015માં મારું નામ નગમાથી બદલીને સનમ કરી દીધું હતું. જ્યારે તે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે તે તેની દાદીના ઘરે ગઈ હતી, જ્યાં તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. ત્યાં મારા લગ્નની વાત શરૂ થઈ, છોકરી મોટી થઈ રહી છે, તેના લગ્ન કરાવી નાખવા જોઈએ.
થોડા વર્ષો પછી મારા પરિવારે સંબંધ જોયો અને મારા લગ્ન કરાવી દીધા. જોકે તે મારી ઈચ્છા ન હતી. મારા પણ કેટલાક સપના હતા. તેમ છતાં હું ત્યાં જ રહી. સાસરિયાંમાં ઝઘડા થતા હતા. મારી મોટી દીકરીનો જન્મ 2013માં થયો હતો. બધા એક નાના રૂમમાં રહેતા હતા. આ પછી હું મારા પતિને મારી સાથે મારા માતા-પિતાના ઘરે લઈ આવી, જ્યારે મેં મારી માતાને આખી વાત કહી તો તેણે મને રહેવા માટે રૂમ અપાવ્યો. ત્યાર પછી તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી. ત્યાર પછી કોઈ સંપર્ક થયો ન હતો.
આ પછી, વર્ષ 2021માં હું ફેસબુક પર પાકિસ્તાનના બાબર બશીર અહેમદને મળી, ત્યારપછી અમે દોઢ મહિના સુધી મિત્રો રહ્યા. તે પછી અમારી વચ્ચે સંબંધ બંધાયો. મેં તેને મારા વિશે બધું કહ્યું હતું. પાસપોર્ટ વર્ષ 2023માં બન્યો હતો અને તમામ વેરિફિકેશન પછી તેને વિઝા મળ્યો, પછી તે પાકિસ્તાન જતી રહી. મારા ત્યાં લગ્ન થયા. મારે આવતા મહિને પાછું જવાનું પણ છે. મેં મારા બાળકોને ત્યાંની શાળામાં પ્રવેશ અપાવ્યો છે.