જમર્નીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી બાળકી ગુજરાતી જૈન દીકરી અરિહા શાહને ભારત લાવવા માટે લાંબા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસનેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. આ તરફ શિવસેનાના નેતા નરેશ ગણપત મ્હસ્કેએ પણ જર્મનીની કસ્ટડીમાં રહેલી બાળકી અરિહાને ભારત લાવવા જણાવ્યું હતું.
કોંગ્રેસનેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. શક્તિસિંહે વહેલી તકે બાળકીને ભારત લાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે 3 વર્ષથી બાળકી જર્મની સરકારની કસ્ટડીમાં છે, તેને છોડાવીને ભારત પરત લાવવામાં આવે. શક્તિસિંહે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતાં પ્રહાર કર્યા હતા. શક્તિસિહે કહ્યું હતું, અમારી પાસે 56 ઈંચની છાતીની વાતો થાય છે, અમે લાલ આંખ કરીએ છીએ, તો આ ગુજરાતની દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવવા માટે આ 56 ઈંચની છાતી બતાવવી જાઈએ. મોદી સરકારે લાલ આંખ કરીને આ દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવીને ભારત લાવવી જોઈએ. જૈન અગ્રણી યતીનભાઈ શાહે જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષથી ભારત આવવા માટે તડપી રહેલી ભારતની દીકરીને ખોટી રીતે જર્મનીએ પોતાની કસ્ટડીમાં રાખી છે. ભારત સરકાર ગુજરાતની આ દીકરીને ભારત લાવે. તેમણે ભારત સરકાર પાસે અપીલ કરતાં ગુજરાતની દીકરીને ભારત લાવવા માટે મદદ કરવા જણાવ્યું છે. યતીન શાહે સંસદમાં ગુજરાતની દીકરી અરિહાનો મામલો ઉઠાવવા બદલ શક્તિસિંહનો આભાર માન્યો હતો.