ગાંધીનગરથી સગીરાનું અપહરણ અને પોકસોનાં ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઈન્ફોસિટી પોલીસે મજૂરનો વેશ પલ્ટો કરી દાહોદમાં પાંચ દિવસ સુધી ધામા નાખી પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ નોંધાયેલ પોકસોનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદ ખાતેથી પાંચ દિવસ ધામા નાખી હ્યુમન રીસોર્સ ઉભો કરી ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદના ભીલવા ગામનો 23 વર્ષીય સુભાષ તેરસીંગભાઇ ગણાવા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી જારકર્મ કરવાના ઈરાદે અપહરણ કરીને ભગાડી લઈ ગયો હતો.
આ મામલે ગુનો દાખલ થતાં પોલીસ દ્વારા સુભાષને પકડી લેવા તેના આશ્રય સ્થાનો તેમજ વતન દાહોદમાં પણ અવારનવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આરોપીનો કોઈ પત્તો લાગતો ના હતો. જેનાં પગલે પીઆઈ પી આર ચૌધરીએ સર્વેલન્સ સ્કવોર્ડ નાં પીએસઆઇ વી જી પરમાર સહિતની ટીમને આરોપીને ઝડપી પાડવા માટે દાહોદ મોકલી આપવામાં આવ્યા હતા.
જેનાં પગલે પોલીસ ટીમે દાહોદમાં પાંચ દિવસ સુધી ધામા
નાખ્યા હતા. અત્રેનો વિસ્તાર ટ્રાયબલ એરિયા હોવાથી
પોલીસ ફરતી હોવાનું જાણીને આરોપી ભાગી જવાની
પ્રબળ સંભાવના હતી. જેથી કરીને પોલીસે મજૂરનો વેશ
ધારણ કરી સ્થાનિકો સાથે વાતચીતનો દોર શરૂ કર્યો હતો.
જેનાં ભાગરૂપે આરોપી સુભાષની ચોક્કસ બાતમી મળતા જ
પોલીસે તેને ઉઠાવી લઈ ગાંધીનગર લઈ આવી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.