અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનમાં લવ, સેક્સ ઓર ધોકા જેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઈન્ટાગ્રામથી 35 વર્ષીય મહિલાને પોતાનાથી 12 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો. બન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા અને મહિલાએ પ્રેમી પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા તેમજ મોંઘી ભેટ સોગાદો આપી. અંતે યુવાન પ્રેમીએ સગાઈ કરીને દગો આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
થોડા સમય પહેલાં બોલિવૂડની એક ફિલ્મ આવી હતી, જેનુ નામ લવ, સેક્સ ઓર ધોકા હતું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવતી ઘટના જેવો જ બનાવ અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધવામાં આવ્યો છે. મણિનગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહિલાના લગ્ન 2005માં થયા હતા, જેમાં મનમેળ ન રહેતા મહિલા એક સંતાનને સાથે રાખીને પતિ સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદ વર્ષ 2021માં મહિલાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જામનગરના ભાગ્યરાજસિંહ જાડેજા નામનાં યુવક સાથે પરિચય થયો.
યુવક મહિલા કરતા 12 વર્ષ નાનો હતો, જોકે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે આરોપી અવારનવાર મહિલાના ઘરે આવતો અને તેને રાજકોટમાં હોટલોમાં લઈ જઈ લગ્ન કરી લઈશ તેવું જણાવી શારીરિક સંબંધ બાંધતો હતો. વર્ષ 2021થી 2024 સુધીમાં આરોપીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી બે આઈફોન, એક અન્ય ફોન, એપલ ની વોચ, સોનાની વીંટી-ચેઈન, કાનની કડી સહિતની મોંઘીદાટ ભેટો લીધી, તેમજ ખાતામાં ટુકડે ટુકડે 11.38 લાખ મેળવ્યા હતા.
મહિલા અને યુવક વચ્ચેનો પ્રેમ-સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો હતો. મહિલાને અગાઉના પતિ સાથેના લગ્નજીવનથી 14 વર્ષનો દિકરો હોય આરોપીએ પોતે કુંવારો હોવાનું જણાવી લગ્ન કરી લઈશ તેવી લાલચ આપી હતી. મહિલા પણ તેની સાથે ઘર વસાવવાનો સપના જોઈને પોતાના પૈસા અને શરીર આરોપીને સોંપી દેતી હતી. જોકે થોડા સમયથી આરોપીએ મહિલા સાથે વાત કરવાનું બંધ કરી નાખ્યું હતું.
મહિલાએ જામનગર ખાતે આપીના ઘરે જઈને તપાસ કરતા તેને જાણવા મળ્યું હતું કે ભાગ્યરાજસિંહ જાડેજાએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી છે. જેનો આઘાત લાગતા મહિલાએ તેને ફોન કરતા આરોપી ભાગ્યરાજસિંહ જાડેજાએ મહિલા સાથે ગાળાગાળી કરી લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો. મહિલાએ આરોપીના સગા સંબંધીઓને આ બાબતની જાણ કરતા તેઓએ પણ સહકાર ન આપતા અંતે મહિલાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભાગ્યરાજસિંહ જાડેજાની બળાત્કાર અને છેતરપિંડીના ગુના માં ધરપકડ કરી છે.
બળાત્કાર અને છેતરપિંડી કેસમાં પોલીસે આરોપી ભાગ્યરાજસિંહ જાડેજાની ધરપકડ કરી મહિલાએ તેને આપેલી ચીજવસ્તુઓ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કોઈ કામ ધંધો કરતો ન હોય તેવી હકીકત તપાસમાં ખુલી છે. તેવામાં રસ્તા પર રેકડી લગાવીને ખાણીપીણીનું કામ કરી તેમજ ટીફિન સર્વિસ થકી મહિલાએ કમાયેલા લાખો રૂપિયા ખર્ચવા બાદ પણ અંતે દગો થયો છે.