બારડોલીમાં કંડક્ટરની નોકરી કરતી 25 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મહિલાને કંડક્ટરની નોકરી સિવાય બીજી નોકરી ન મળતા સ્યુસાઈડ નોટ લખીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મહિલાના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ડેપોમાં કંડક્ટરની ફરજ બજાવતી 25 વર્ષીય ભૂમિકા પરમાર એક મહિલા કંડકટર સાથે રહેતી હતી. ભૂમિકા ગુરૂવારે સાંજે નોકરી પરથી રૂમ પર પરત ફરી હતી. જ્યારે તેની રૂમ પાર્ટનર બપોર બાદ નોકરી પર ગઈ હતી.
જે બાદ રાત્રે રૂમ પાર્ટનર ઘરે પર પહોંચી તો ભૂમિકાની લાશ લટકતી હાલતમાં જોતાની સાથે જ સ્તબ્ધ ગઈ હતી. જેથી રૂમ પાર્ટનરે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહિલા કંડકટરે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મમ્મી પપ્પા તમારા જેવું આ દુનિયામાં કોઈ નથી અને મારા સાસુ-સસરા જેવું પણ મને ક્યારેય નઈ મળે, આમાં કોઈના કારણે હું આ પગલું ભરતી નથી બસ મને એ જ થયું કે મને બીજી નોકરી ન મળી’ બીજા પાના પર તેણે 6 વખત હું દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ છું લખ્યું હતું.