ભારતમાં લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. કારણકે ભારત દેશ એક પારંપરિક દેશ છે જે લગ્નનો મતલબ થાય છે જીવનભરનો સાથ. એક સમય હતો જ્યારે ભારતમાં ડાઈવોર્સ રેટ વિદેશ કરતા ખૂબ ઓછો હતો. પરંતુ છેલ્લા બે દાયકામાં ભારતમાં પણ છુટાછેડાના મામલામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કેટલાક કેસમાં તો સાવ નજીવી બાબતમાં લગ્ન તૂટી જતા હોય છે.
તો ચાલો આજે જાણીએ ભારતમાં બે દાયકામાં ડિવોર્સ વધવા પાછળ ખરેખર કયા કારણો જવાબદાર છે.
આજના સમયમાં દરેક વ્યક્તિની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. પતિ અને પત્ની વચ્ચે પણ વ્યસ્તતાના કારણે કોમ્યુનિકેશન ગેપ હોય છે. મોટાભાગના પતિ પત્ની વર્કિંગ હોય છે જેના કારણે તેઓ ધીરે-ધીરે એક બીજાથી દૂર થવા લાગે છે. આવી સ્થિતિમાં છુટાછેડા થવાની શક્યતા વધી જાય છે.
પહેલાના સમયમાં છૂટાછેડા બદનામીનું કારણ બની જતા. લગ્ન તોડવાનો નિર્ણય કરવો સરળ ન હતો. સમાજમાં તેને ઝડપથી સ્વીકારવામાં પણ આવતું નહીં. પરંતુ હવે સમાજમાં ડિવોર્સને વધારે મહત્વ આપવામાં આવતું નથી. લોકો ડિવોર્સને પણ સામાન્ય સ્થિતિની જેમ સ્વીકારતા થયા છે તેથી લગ્નજીવન તૂટવા નવી વાત નથી રહી.
મહિલાઓ હવે સાક્ષર થઈ રહી છે અને ફાઇનાન્સયલી ઇન્ડિપેન્ડન્ટ બની રહી છે. તેથી તેઓ વધારે સારી રીતે સમજી શકે છે કે જ્યાં તેમનું શોષણ થતું હોય ત્યાંથી દૂર થઈ જવામાં કોઈ જ બુરાઈ નથી. પહેલાના સમયમાં મહિલાઓ શારીરિક-માનસિક ત્રાસને સહન કરીને પણ જીવન ગુજારી લેતી. પરંતુ હવે મહિલાઓ પોતાના નિર્ણય જાતે કરી શકે છે. તેઓ અવેરનેસના કારણે ટોક્સિક રિલેશનશિપમાંથી બહાર આવી શકે છે.
આજના સમયમાં ઘણા પતિ, પત્ની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન ઈગોનો હોય છે. સંબંધ ત્યારે જ ચાલે છે જ્યારે કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો બીજી શાંત રહે. પરંતુ ઈગોના કારણે પતિ, પત્ની બંને એકબીજા સાથે દુશ્મનની જેમ ઝઘડે છે. આવું વારંવાર થાય તો લગ્ન બચી શકતા નથી.
આ વાત વિચિત્ર લાગશે પરંતુ છૂટાછેડાનું પ્રમાણ વધવાનું એક કારણ લવમેરેજમાં થયેલો વધારો પણ છે. પહેલાનો સમયમાં સંબંધો માતા પિતા નક્કી કરતા જેમાં પરિવારના સભ્યો સંબંધીઓ બધા જ જોડાયેલા હોય છે. આવી સ્થિતિમાં પતિ- પત્ની વચ્ચે મનમુટાવ થાય તો લગ્નને બચાવવા માટે પરિવારના સભ્યો પણ સાથે હોય છે. પરંતુ હવે યુવાનો પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે છે. લગ્ન પછીની હકીકતથી તે બંને પણ અજાણ હોય છે. જ્યારે લગ્ન પછી પરિસ્થિતિઓ બદલાય છે તો પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતી પણ એકબીજાથી કંટાળી જાય છે અને પછી ડિવોર્સ લઈ અલગ થઈ જાય છે. ઘણા કેસમાં લવ મેરેજમાં ફેમિલી સપોર્ટ પણ મળતો નથી જેથી લગ્ન ટકી શકતા નથી અને તૂટી જાય છે.