ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ૭૮ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિરાટનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં ‘હર ઘર તિરંગા‘ અભિયાન અને અભૂતપૂર્વ જનમેદનીની વચ્ચે દેશના તમામ જિલ્લા મથકે યોજાઇ રહેલ ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિની અભિવ્યક્તિની સાથે સાથે આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માં મહાન અને સંપૂર્ણ વિકસિત ભારતની રચનાના સંકલ્પનું પ્રતિક બની છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રત્યેક યુવા અને નાગરિકને આઝાદીની લડાઈનો ઇતિહાસ યાદ કરાવવા, આઝાદ ભારતની ૭૫ વર્ષની સિદ્ધિઓની જાણકારી આપવા અને આગામી ૨૫ વર્ષમાં સૌ નાગરિકોના સહકારથી ભારતને દરેક ક્ષેત્રે નંબર વન બનાવવાના પુરુષાર્થનો સંકલ્પ એમ ત્રણ લક્ષ્ય સાથે આઝાદીના ૭૫ વર્ષ પર આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. દર વર્ષે આયોજિત હર ઘર તિરંગા અભિયાન આ સંકલ્પનું સ્મરણ કરાવે છે.
શ્રી શાહે વિદેશમાં સૌ પ્રથમ વખત ભારતીય ધ્વજ ફહેરાવનાર મેડમ ભીકાજી કામાની પુણ્યતિથિ નિમિત્તે સ્મરણ કરી તેઓને તેમજ દેશ માટે બલિદાન આપનાર સૌ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં વિવિધ ક્ષેત્રે વિશ્વ અચંબિત થઈ જાય તે પ્રકારની સિદ્ધિઓ ભારતે પ્રાપ્ત કરી છે. વિકસિત ભારત અને દરેક ક્ષેત્રે ભારત નેતૃત્વ કરે તે સંકલ્પ ને સિદ્ધિ સુધી પહોંચાડવા માટેની આગેકૂચ અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમો થકી થઈ રહી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વકાળમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્વજ લહેરવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક સહિત આકરા પગલાં લઈ ભારતે આતંકવાદ અને નક્સલવાદ ફેલાવતા દેશના દુશ્મનોને જવાબ આપવાની શરૂઆત કરી છે, કોરોનાકાળમાં ટેકનોલોજીના માધ્યમ થકી વિશ્વનું સૌથી મોટું વિનામૂલ્યે રસીકરણ ભારતે કર્યું છે, G20 સમિટ વખતે મહાત્મા ગાંધીની સમાધિ પર વૈશ્વિક નેતાઓએ એક સાથે એક સમયે ગાંધીજીને નતમસ્તક થઈ સન્માન સાથે પુષ્પાંજલિ અર્પણ કરી. વિકસિત ભારતનું નિર્માણ દેશના યુવાઓ અને આગામી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ રહ્યું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાદીના ઉપયોગના પ્રોત્સાહન માટે, ખાદી ઉદ્યોગમાં રોજગારી વધારવા માટે ‘ ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન‘ ની સંકલ્પના મુકી છે ત્યારે આપણે હર ઘર તિરંગા, હર ઘર ખાદી સૂત્રને ચરિતાર્થ કરવાનું છે. હાથમાં તિરંગા સાથે આ તિરંગા યાત્રામાં ઉમટેલું અભૂતપૂર્વ માનવમહેરામણ એ અમદાવાદની જનતા વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે છે તેનું પ્રતિબિંબ રજૂ કરે છે. સૌ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઈ પોતાના ઘર, મકાન, ઓફિસ પર તિરંગો લહેરાવી સેલ્ફી લેવા તેમજ ખાદીની ખરીદી કરી રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત કરવા અપીલ કરી હતી અને આ ભવ્ય તિરંગા યાત્રાના આયોજનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સહભાગી થવા બદલ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, વિવિધ એનજીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશ વિશ્વકર્મા, શ્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, સંસદસભ્યશ્રીઓ શ્રી દિનેશ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન, ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો, નગરસેવકો, સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.