સતલાસણા તાલુકાના ભીમપુર ગામની 55 વર્ષીય મહિલાને ચાર દિવસ અગાઉ પેટમાં દુ:ખાવો થયો હતો. જેથી મહિલા પોતાના પતિ સાથે વિસનગરની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. જ્યાં હોસ્પિટલના તબીબ અરૂણભાઇ રાજપૂતે મહિલાની સોનોગ્રાફી કરાવતાં પિત્તાશયમાં નાની-નાની 150થી વધુ પથરી જામી ગઇ હતી. જે જોઈ તબીબ પણ આશ્ચયચકિત થઇ ગયા હતા. જેથી તેમણે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યું હતું.
જો કે તે સમયે પરિવાર વિચાર કરી જણાવવાનું કહી પરત ઘરે ગયો હતો, પરંતુ બે દિવસ પહેલાં ફરીથી મહિલાને સખત દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેમને તાત્કાલિક વિસનગર લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ.અરુણભાઇ રાજપૂત દ્વારા તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તબીબ દ્વારા ભારે જહેમત ઉઠાવી દૂરબીનથી ઓપરેશન દ્વારા પિત્તાશય બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં હાલ મહિલાની હાલત સ્વસ્થ છે.
આ અંગે ડોક્ટર અરુણભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે,
દર્દી એક મહિલા 55 વર્ષીય મહિલા સતલાસણા તાલુકાના
ભીમપુર ગામના છે. એ મને શુક્રવારે બતાવવા માટે આવ્યા
હતા. ત્યારે પિત્તાશયમાં ખૂબ પથરીઓ અને ઇન્ફેક્શન તેવું
તેમણે જણાવ્યું હતું. ત્યારે આજે દુખાવો વધતાં તેઓ ફરી
બતાવવા માટે આવ્યા હતા. તપાસ કરતાં ખબર પડી કે,
આખા પિત્તાશયમાં પરું થઈ ગયું હતું. સાથે જ પિત્તાશયમાં
પંકચર થઈ ગયું હતું. જે એ બહુ જોખમી હોય છે. આવા
કેસમાં દૂરબીનથી પણ ઓપરેશન કરવું સરળ હોતું નથી. તેમ
છતાં દોઢ બે કલાકની જહેમત કરીને પરું, પિત્તાશય તેમજ
તેમાંથી 150થી 200 જેટલી પથરીઓ કાઢી હતી. હાલ
દર્દીની તબિયત સારી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે પણ દર્દીને પિત્તાશયમાં પથરી થાય તો પથરી સાથે પિત્તાશયને કાઢવું જ પડે છે, કેમ કે જે પિત્તાશયમાં પથરી થાય તે પિત્તાશય પછી કામ વગરનું થઈ જાય છે. તેને ખોરાક ના પાચન માટે કંઈ લેવા દેવા રહેતા નથી. જે પિત્તાશયમાં પથરી થાય તેમાં કેન્સર થવાની 7 ટકા જેટલી શક્યતાઓ રહેલી હોય છે. એટલે એને વહેલીતકે દૂર જ કરવું પડે.
આ અંગે મહિલાના પતિએ જણાવ્યું હતુ કે, મારી પત્નીને ચાર દિવસથી પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી અમે ડૉ.અરુણભાઈને ત્યાં આવ્યા હતા. નિદાન કરતાં એમાં પથરીનો દુખાવો દેખાયો હતો. અમે ફરીથી આવ્યા ત્યારે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ ગયું છે. જો કે પથરીઓ વધારે નીકળી છે. ઓપરેશન થઈ ગયા બાદ હવે મારી પત્નીને આરામ છે.