ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા. ત્યારે એક બાર વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા માટે ચાર લોકો નદીમાં કૂદ્યા હતા. જોકે, ઊંડા પાણીમાં ગરકાવ થતાં એક બાદ એક ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે.
ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની બાર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.
આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા (અમરાઈવાડી), ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી છે. બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસનો દોર ચલાવી રહી છે.
દશામાનો તહેવાર બાદ આગામી દિવસોમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ત્રણ લોકોના મોત થતાં જ તહેવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો હૈયાફાટ રૂદ્દન કરી રહ્યા છે. બીજી તરફ લાશોને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાઈ છે.