અંબાજી- દાંતા જેવા પછાત, ગ્રામીણ, આદિવાસી ક્ષેત્રના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ વર્ષોથી વિદેશ હોવા છતાંયે સરકારી નોકરીમાં યથાવત હોવાનો ભાંડો ફુટયા બાદ રાજ્યનો શિક્ષણ વિભાગ સફાળે જાગ્યો છે. 24 કલાકમાં છેલ્લા બે વર્ષમાં 3 મહિનાથી વધુ સમય ગેરહાજર 151 શિક્ષકોને શોધીને કાર્યવાહીનો ઢોલ પીટી રહ્યો છે.
પરંતુ, આટલા લાંબા સમયથી જે શાળામાં જતા નહોતા, સતત ગેરહાજર હતા કે પછી માત્ર હાજરીપત્રકમાં જ દેખાતા હતા તેવા શિક્ષકોની જાણ આ સમગ્ર વ્યવસ્થાનું સુપરવિઝન કરતા ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર- VSK’ને કેમ નહોતી ?
તેવા સવાલો શિક્ષક સમુદાયમાંથી ઉઠયા છે. એટલુ જ નહીં, જે શિક્ષકો શાળામાં જ નહોતા તો આટલા વર્ષોથી મુખ્ય શિક્ષકો, CRC, BRC, TPEO, DPEO, નિયામક, સેક્રેટરી- પ્રિન્સિપલ સેક્રેટરી દરમહિને, ત્રિ-માસિક, છ- માસિક કે વાર્ષિક સમીક્ષા શુ કરી ? ખરેખર તો આ તમામ સુપરવિઝન ઓથોરિટીઓ સામે પણ ફરજમાં બેદરકારી સબબ તપાસ કરાવવી જોઈએ, નોટિસો ફટકારી જવાબ માંગી દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ શિક્ષક સમુદાયમાંથી ઉઠી છે. ‘સંદેશ’ સાથેની વાતચીતમાં શિક્ષકોએ કહ્યુ “ગેરહાજરી અને જગ્યા ભરાયેલી દેખાડવાના નામે પણ પગારમાંથી ટકાવારી અને બદલીનો વેપાર થઈ રહ્યો છે. જેમાં વિદેશ જવા માટે મંજૂરી આપતી ઓથોરિટીઓ NOCની મુદ્દત પૂર્ણ થયા પછી, જેમને નોકરી જ નથી કરવી તેમના રાજીનામા ન મંજૂર કરતા અધિકારીઓની સામેલગીરી પણ એટલી જ જવાબદાર છે. સુપરવિઝન ઓથોરિટીના આંખ આડા કાનને કારણે ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણ વિભાગમાં બટ્ટો લાગ્યો છે. એટલે આ તમામ સામે સરકારે ઈન્કવાયરી આદેશ કરવો જોઈએ”
પારદર્શક શિક્ષણ વ્યવસ્થા માટે કમાન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટ્રર- વિદ્યા સમીક્ષા કેન્દ્રની ઝામકઝોળ વચ્ચે ગુજરાતમાં આંતરીયાળ ક્ષેત્રમાં પાંચ મુખ્ય મોડસ ઓપરેન્ડી- MOથી છેક ઉપરથી નીચે સુધી સડો છે. જેના કારણે આ નોબેલ પ્રોફેસન બદનામ થઈ રહ્યાની હૈયાવરાળ ખરેખર જેઓ શિક્ષણકાર્યમાં ઓતપ્રોત છે તેવા શિક્ષકો ઠાલવી રહ્યા છે. શિક્ષકોએ વર્ણવેલા પાંચ MOને આ રીતે સમજો.
જે શાળાએ જતા નથી, પૂર્ણકાલિન સેવા આપતા નથી કે LWP વચ્ચે તૂટક તૂટક હાજરી દર્શાવે છે તેવા શિક્ષકને પગારમાંથી 60 ટકા પગાર મુખ્યશિક્ષક, TPEO, DPEO વચ્ચે વહેંચીને બધુ બરાબર છે તેવો ડિઝિટલ રિપોર્ટ બનાવાય છે. જેમાં શિક્ષકનો અપડાઉન ખર્ચ બચે અને વધેલા સમયમાં બીજી પ્રવૃત્તિ કરી શકે છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે બાયોમેટ્રિક હાજરી, ડિઝિટલ રિપોર્ટ તૈયાર કરે છે તે ડેપ્યુટેશન ઉપર નિયુક્ત 20થી વધુ શિક્ષકો પૂર્વ મંત્રી, ગાંધીનગરમાં વગ ધરાવતા અધિકારી- કર્મચારીઓના સગા- સંબંધી, પતિ કે પત્ની છે ! સંઘોના પ્રતિનિધિના નિકટવતીઓ હોવાથી તેઓ ગેરહાજર શિક્ષકોને સાચવી લેતા હોય છે.
એવા પણ ઘણા કિસ્સાઓ છે કે જેમણે રાજીનામું આપ્યુ હોય તેવા શિક્ષકોને તત્કાળ અસરથી છૂટા કરાતા નથી ! અથવા તો શિક્ષકો જ પોતાની જગ્યાએ જ્યાં સુધી બદલીથી કોઈ આવવા તૈયાર થાય તેની તક જોઈને રાજીનામુ આપે છે. જેથી બદલી કેમ્પ ટાણે ખાલી જગ્યા હોય તો તેના પેટે પણ ભાવતાલ કરી શકાય !
સરકારી સિસ્ટમમાં શિક્ષક પાસે પગાર સિવાય ઉપરની આવક- ભ્રષ્ટાચાર માટે શાળાની ગાન્ટ સિવાય ખાસ વિકલ્પો નથી. એથી આ સમુદાયમાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ જેટલો ઝડપી મળે તે મહત્વનુ છે. જેના માટે સર્વિસ બૂકમાં સમયસર નોંધ પાડાવવા BRC, CRC, TPEOની કચેરીમાં લાંચ આપવી પડે છે.
એવા પણ કેટલાક કિસ્સા છે કે જેમણે સામેથી રાજીનામું આપ્યુ હોય તેમ છતાંયે મુખ્ય શિક્ષક, TPEO, DPEOથી લઈને જિલ્લા અધિકારી તેને ત્વરીત મંજૂર કરવાને બદલે ફરજ પર હાજર થવા શિક્ષકોને આદેશ કરે છે. કાગળ ઉપર બદલી કેમ્પ સુધી જગ્યા ભરાયેલી દેખાડવાના ખેલ પાછળ પણ રૂપિયા જ કારણભૂત હોય છે.