મહેસાણામાં નાયબ મામલતદાર રાકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે. તે સતલાસણા મામલતદાર કચેરીમાં ગોઠવાયેલા છટકામાં જ સપડાયા હતા. તેમને ત્યાં કામ કરતો કમ્પ્યુટર ઓપરેટર રૂ. 50 હજારની લાંચ લેતા પકડાયો હતો. હવે તે તો આટલી મોટી રકમની લાંચ માંગે નહી, તેથી શંકાની સોય સીધી નાયબ મામલતદાર તરફ ચીંધાઈ હતી અને તેમને સાણસામાં લેવાયા હતા.
એસીબીની ટીમે ડેટા એન્ટ્રી ઓપરેટર રવિન્દ્ર પટેલને નાયબ મામલતદાર વતી રૂ. 50,000ની લાંચ લેતા રંગે હાથ પકડ્યો હતો. તેણે જમીનની જૂની શરતની કરાવવા માટે લાંચ માંગી હતી. આમ મામલતદાર કચેરીમાં એસીબીએ નાયબ મામલતદારની ધરપકડ કરીને રીતસરનો સોંપો પાડી દીધો હતો. મામલતદાર કચેરીના દરવાજા બંધ કરી આ ટ્રેપ ગોઠવાઈ હતી.
સતલાસણા મામલતદાર કચેરીમાં પાટણના અરજદાર પાસેથી રૂ.50 હજારની લાંચ લેતાં રંગે હાથ કચેરીના આઉટ સોર્સના ડેટા ઓપરેટરને મહેસાણા એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. કોના કહેવાથી આ રૂપિયાની માંગણી કરી તેમજ તેમાં નાયબ મામલતદારની સંડોવણી છે કે નહીં તેને લઈ મોડી રાત સુધી ઓપરેટર અને નાયબ મામલતદારની એસીબીએ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા મોટી રકમની લાંચની માંગણી કરાઇ હતી. રકઝકને અંતે રૂ.50 હજારમાં નક્કી થયું હતું. બીજી તરફ અરજદારે મહેસાણા એસીબીનો સંપર્ક કરતાં પીઆઇ એસ.ડી. ચાવડા અને તેમની ટીમે સોમવારે મોડી સાંજે સતલાસણા મામલતદાર કચેરીમાં છટકું ગોઠવી રૂ.50 હજારની લાંચ લેતાં ડેટા એન્ટ્રી ઓપરેટર રવિ પટેલને ઝડપી પાડ્યો હતો. સમગ્ર લાંચ પ્રકરણમાં કોના કહેવાથી આ લાંચ માંગવામાં આવી હતી તે મામલે એસીબીએ નાયબ મામલતદાર રાકેશ ચૌધરી અને રવિ પટેલની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ હતી.