અમદાવાદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. મંડળ રેલવે પ્રબંધક કાર્યાલય અમદાવાદના પરિસરમાં આયોજિત ગૌરવપૂર્ણ સમારોહમાં ડીઆરએમ સુધીર કુમાર શર્માએ ધ્વજ ફરકાવ્યો હતો અને આરપીએફ, સ્કાઉટ્સ અને ગાઇડ્સની સંયુક્ત પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી લીધી હતી.આ પ્રસંગે તેમણે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી અશોકકુમાર મિશ્રના સ્વતંત્રતા દિવસના સંદેશ નું વાંચન કર્યું હતું. અમદાવાદ મંડળ ની સાંસ્કૃતિક ટીમ દ્વારા દેશભક્તિ પર આધારિત નૃત્યો અને ગીતો રજૂ કર્યા હતા જેણે દરેકના મન ને દેશપ્રેમ ની લાગણી સાથે રોમાંચિત કરી દીધા હતા. આ દરમિયાન સ્વતંત્રતાના પ્રતિક એવા ત્રિરંગાના ફુગ્ગા પણ હવામાં છોડવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ મંડળ ના વિવિધ વિભાગોના 56 થી વધુ રેલવે કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા, અમદાવાદ ના પ્રમુખ શ્રીમતી સંગીતા શર્મા દ્વારા ગંભીર બીમારીઓથી પીડિત બે રેલવે કર્મચારીઓને આર્થિક સહાય આપીને મદદ કરી અને તેમણે રેલવે હોસ્પિટલ અને આરોગ્ય એકમોને 7 વોટર પ્યુરીફાયર પણ આપ્યા. મંડળ કાર્યાલય ઉપરાંત અમદાવાદ, સાબરમતી, પાલનપુર, મહેસાણા, ગાંધીધામ સહિતના તમામ સ્ટેશનો, કારખાનાઓ અને ડેપો ખાતે સ્વાતંત્ર્ય દિવસ પર્વની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મહિલા કલ્યાણ સંસ્થાની ટીમ, અપર મંડળ રેલવે પ્રબંધક શ્રી દયાનંદ સાહુ, અપર મંડળ રેલવે પ્રબંધક શ્રી લોકેશ કુમાર, વરિષ્ઠ સુરક્ષા કમિશનર શ્રી બિનોદ કુમાર અને અન્ય અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી જીતેશ અગ્રવાલે આ કાર્યને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.