ગાંધીનગરમાં જમીનની કિંમતો આસમાને પહોંચી હોવાથી ભૂમાફિયાઓની સક્રિયતા પણ વધી છે. ગાંધીનગરમાં જમીન પચાવવા માટે કોઈપણ હદે જવા તૈયાર રહેતા ભૂમાફિયાઓએ સામાન્ય ખેડૂતો સાથે ઠગાઈ કરી હોવાના કિસ્સા અનેક વખત બહાર આવ્યા છે અને પોલીસે ગુના પણ નોંધ્યા છે. આ વખતે ભાજપના પૂર્વ ધારાસભ્યએ જ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. રાયસણ અને કોબા ખાતે આવેલી તેમના સસરાની 11 અલગ-અલગ સર્વે નંબરની જમીન હડપ કરવાના કાવતરા બદલ પોલીસે અમદાવાદના બાવળા, સરદાનગર અને ગાંધીનગરના પેથાપુરના કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા અશોક રણછોડદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સસરા ચંદુભાઈ રેવાભાઈ પટેલ અને કાકા સસરા ગણપતભાઈ રેવાભાઈ પટેલની વડીલોપાર્જિત જમીન રાયસણ ગામમાં આવેલી છે. રાયસણની સીમમાં 10 અલગ-અલગ સર્વે નંબર અને કોબામાં એક સર્વે નંબરની કુલ 7000 ચો.મી.થી વધુ જમીન આવેલી છે.
આ જમીનના રેકોર્ડમાં સસરા-કાકા સસરાની હયાતીમાં અશોકભાઈનાં પત્ની રમીલાબેન સહિતના વારસદારોના નામ આવ્યા હતા. ઓગસ્ટ-2022માં તેમા સસરા અને કાકા સસરાના નામથી રાયસણ ખાતેના ઘરે આરબીએલ બેંક મણિનગર શાખાનું ડેબિટ કાર્ડ આવ્યુ હતું. બંનેએ આવી કોઈ બેંકમાં ખાતું ખોલાવ્યું ન હતું. તેથી બેંકમાં તપાસ કરતાં બંને વ્યક્તિની ખોટી સહીઓ કરી ખાતું ખોલાવાયું હતું અને તેમાં રૂ.25000 જમા કરાવાયા હતા. આ ખાતું સ્થગિત કરાવી દેવાયુ હતું.
થોડા દિવસ બાદ કેવલ અજીતસિંહ ઝાલા (રહે. ઊર્જાનગર વિભાગ-3, પેથાપુર) મળવ આવ્યા હતા અને પાવર ઓફ એટર્નીના ફોટા ફોનમાં બતાવ્યાં હતા. સાથે આ જમીન તેમની પાસે વેચાણ માટે આવી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ 28-10-23ના રોજ મહેશભાઈ સંતપભાઈ અને લાલુભાઈ હરજીભાઈ રબારી (બંને રહે. સરદારનગર અમદાવાદ)એ ફરિયાદીના સાળા હર્ષદભાઈ ચંદુભાઈને ગાળો બોલી ધમકી આપી હતી અને પિતા-કાકાએ મિલકતના બાનાખાત કર્યા હોવાનું કહ્યું હતું.
આ મામલે પૂર્વ ધારાસભ્ય અશોકભાઈએ તપાસ કરતાં ઉપરોક્ત તમામ જમીનો હડપ કરવા અથવા તોડ કરવાના ઈરાદે ખોટી સહીઓથી ખોટા પાવરઓફ એટર્ની બનાવાયા હોવાનું જાણવા મળ્યું હતું. પૂર્વયોજિત કાવતરું રચી કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી દેવાના ષડયંત્રમાં કેવલ અજિતસિંહ ઝાલા (રહે. ઊર્જાનગર વિભાગ3, પેથાપુર), લાલુભાઈ હરજીભાઈ રબારી, મહેશ સંપતભાઈ (બંને રહે. સરદારનગર, અમદાવાદ), શિવરાજસિંહ કિરીટસિંહ ઝાલા, સંકેત રાઠોડ, રાજુભાઈ ભગવાનદાસ નાયક અને નરેન્દ્રકુમાર દેવાભાઈ મકવાણા (તમમ રહે. ગામ રાસમ, તાલુકો બાવળા) સામે સીટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. સીટના અહેવાલના આધારે ઈન્ફોસિટી પોલીસ મથકમાં સાત ભૂમાફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.