ગાંધીનગરમાં આવેલા ભારતના પહેલા ફાઈનાન્શિયલ ટેકનોલોજી સેન્ટર ગિફ્ટ સિટીની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તેની આસપાસના વિસ્તારોને પણ ગિફ્ટ સિટીમાં ભેળવવાનો નિર્ણય કર્યો હતો.
બીજા તબક્કાના ડેવલપમેન્ટમાં 8 લાખથી વધુ લોકો રહી શકે એટલા ઘર બનાવવાના ટાર્ગેટ સાથે આસપાસનો એરિયા નોટિફાઇડ કરવામાં આવ્યો હતો. જોકે, જમીનના સોદામાં અને પ્રોપર્ટીના વેચાણમાં ગેરરીતી થઇ હોવાનું તેમજ આના કારણે મૂળ ગિફ્ટ સિટી વિસ્તારના પ્રોજેક્ટ્સને અસર પડતી હોઈ ગત જૂનમાં સરકારે વિસ્તરણ કરવાનું માંડી વાળ્યું હતું. હવે આ વિસ્તાર ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ની હેઠળ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં જમીન-મકાનમાં રોકાણ કરનાર લોકોને રોવાનો વારો આવ્યો છે. ગિફ્ટ સિટીમાં 2-2.5 લાખ લોકો કામ કરે છે અને વધુને વધુ કંપનીઓ અહી આવી રહી છે એટલે લોકોની સંખ્યામાં પણ વધારો થશે. તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં ઉભી થનારી રહેણાંક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે સરકારે બાજુમાં આવેલા શાહપુર, રતનપુર, લવારપુર અને પિરોજપુર ગામનો અંદાજીત 1,000 એકરનો વિસ્તાર નોટિફાઇડ કર્યો હતો અને તેમાં નવું ડેવલપમેન્ટ કરવાની જાહેરાત પણ કરી હતી. આ જાહેરાત બાદ આ બધા વિસ્તારોમાં જમીનના ભાવ એક વીઘાના રૂ. 6-7 કરોડ હતા તે રૂ. 23-25 કરોડ સુધી પહોંચી ગયા હતા.
રીઅલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, સરકાર નવા ડેવલપમેન્ટની જાહેરાત કરે એ પહેલા જ ગિફ્ટ સિટીની આસપાસના ગામોમાં જમીનના ભાવો વધવા લાગ્યા હતા. આ વિસ્તારોમાં બે વર્ષ પૂર્વે રૂ. 5-7 કરોડ પ્રતિ વીઘાના ભાવે જમીન મળી જતી હતી. તેનો ભાવ વધીને રૂ. 23-25 કરોડ થઇ ગયો હતો. જોકે સરકારે વિસ્તરણ રદ્દ કરતા એક જાટકે જમીનના ભાવ રૂ. 11-12 કરોડ પર આવી ગયા હતા. અત્યારે આ વિસ્તારમાં રૂ. 13-14 કરોડના ભાવ બોલાય છે પણ હાલ કોઈ જમીન લેવા તૈયાર નથી. મોંઘા ભાવે અનેક બિલ્ડર્સે અહી જમીન લીધી હતી તેઓના પૈસા ફ્સાઈ ગયા છે.
ગાંધીનગરના બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, નવી ડેવલપમેન્ટ નથી થવાનું તે સામે આવતા જ પ્રોપર્ટીના ભાવો પણ નીચા આવી ગયા છે. વર્ષ કે બે વર્ષ પહેલા કોઈએ અહી રૂ. 1 કરોડનો ફ્લેટ લીધો હોય તો તેની વેલ્યુ અત્યારે 75-80 લાખ મુકવામાં આવે છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીનો ભાવ રૂ. 6,000-6,200 પ્રતિ સ્ક્વેર ફુટ સુધી પહોચી ગયો હતો. જોકે અત્યારે અંદરની સાઈડમાં 3,800-4,000 અને હાઈવે થી નજીક હોય તેવા ઘરોમાં રૂ. 4,000-4,500 પ્રતિ ચોરસ ફુટ ભાવ ચાલે છે. ભાવ ઘટી ગયા હોવા છતાં માગ ઘણી ઓછી રહે છે અને તેથી વેચાયા વગરના મકાનો પણ ઘણા પડયા છે. તેની સામે મૂળ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના ભાવ એક વર્ષમાં બમણા થયા છે.
ભવિષ્યની જરૂરિયાતો માટે 2023માં ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવાનું નક્કી થયું,ગિફ્ટ સિટીની બાજુના 4 ગામોમાં 1,000 એકર જમીન નોટિફાઇડ કરાઈ,સરકાર જાહેરાત કરે તે પહેલા જ ઘણી જમીનો વેચાઈ ગઈ,પ્રોપર્ટીના ભાવો પણ 3500-4000થી વધી 6,000-6,200 પ્રતિ ચોરસ ફુટ થઇ ગયા હતા,સરકારને ગેરરીતી થયું હોવાનું ધ્યાને આવતા વિસ્તરણની યોજના રદ્દ કરાઈ,રહેણાંક પ્રોપર્ટીના ભાવ પણ રૂ. 1 કરોડથી ઘટીને રૂ. 75-80 લાખ પર આવી ગયા