આરજી કર હૉસ્પિટલમાં જુનિયર મહિલા સાથે બળાત્કાર અને હત્યાના કેસ મામલે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં આવાં નિવેદન કર્યાં છે.
આ પહેલાં બેનરજીએ આ પ્રકારનાં નિવેદન નથી આપ્યાં, એટલે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ઉપરોક્ત ઘટનાને કારણે મમતા બેનરજી દબાણ હેઠળ છે ?
શું તેમને આશંકા છે કે તેમની સૌથી મોટી વોટબૅન્ક વિખેરાઈ જશે ? શું મુખ્ય મંત્રી તરીકેના ત્રીજા કાર્યકાળ દરમિયાન પહેલી વખત તેમની સામે આટલી મોટી મુશ્કેલી છે?
બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપવાની માગ સાથે શુક્રવારે સાંજે મમતા બેનરજી રસ્તા ઉપર ઊતર્યાં હતાં, જેના કારણે ચર્ચાઓ, સવાલો અને અટકળોને વેગ મળ્યો.
સામાન્ય રીતે મમતા બેનરજી આ પ્રકારની ઘટનાના વિરોધમાં રસ્તા ઉપર નથી ઊતરતાં. છેલ્લે તેમણે સીએએના વિરોધમાં રસ્તા ઉપર ઊતરીને આંદોલન કર્યું હતું. આ સિવાય તેઓ ચૂંટણી દરમિયાન પગપાળા ચાલીને જનસંપર્ક કરે છે.
સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ અને સરકારની ભૂમિકા ઉપર સવાલ ઊભા થયા છે. બીજી બાજુ, ‘રિક્લેઇમ ધ નાઇટ’ અભિયાનને મહિલાઓનું સ્વયંભૂ સમર્થન હાંસલ થઈ રહ્યું છે. આ વિરોધપ્રદર્શનોને કારણે શું, મમતા બેનરજીની મજબૂત વોટબૅન્ક તેમનાં હાથમાંથી સરકી રહી છે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલ પશ્ચિમ બંગાળમાં કોઈ ચૂંટણી નથી, તો પણ વિપક્ષ આ મુદ્દાને જીવંત રાખવાની તથા આગમી વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરશે.
કોલકતાની ઘટના મુદ્દે ભાજપ તથા સીપીએમે મમતા બેનરજી સામે આક્રમક વલણ અપનાવ્યું છે. રાહુલ ગાંધી તથા અધીર રંજન ચૌધરી જેવા કૉંગ્રેસના નેતાઓએ પણ મુખ્ય મંત્રી વિરૂદ્ધ ટિપ્પણીઓ કરી છે.
શુક્રવારે સાંજે મમતા બેનરજીએ કોલકતાના મૌલાલીથી ધર્મતલ્લા સુધીના દોઢેક કિલોમીટરના અંતરની પદયાત્રા કરી હતી, જેમાં પાર્ટીના સંસદસભ્યો, ધારાસભ્યો તથા અન્ય નેતા જોડાયા હતા. આ લોકોએ પોસ્ટર, બેનર તથા પ્રતીકો દ્વારા દોષિતને ફાંસી આપવાની માગ કરી રહ્યા હતા.
સૌથી આગળ ચાલી રહેલાં મમતાએ તેમના સ્વભાવને અનુરૂપ વચ્ચે-વચ્ચે અટકીને લોકો સાથે વાતો કરી હતી. સામાન્ય રીતે તેમના ચહેરા ઉપર આત્મવિશ્વાસ છલકતો હોય છે, પરંતુ પદયાત્રા દરમિયાન તેમનાં વદન ઉપર ચિંતાની રેખાઓ જણાતી હતી.પદયાત્રા દરમિયાન કેટલાક લોકો સાથે વાત કરી, પરંતુ તેઓ ફોટોગ્રાફ પડાવવા સહમત ન થયા.
જે રસ્તા ઉપરથી મમતાની યાત્રા પસાર થઈ, ત્યાં જ સેવાનિવૃત્ત શિક્ષક મંજૂનાથ વિશ્વાસ પણ રહે છે. તેમનું કહેવું હતું, “આ વખતે મમતા તથા તેમની સરકાર ફસાયાં છે. પ્રિન્સિપાલનો બચાવ કરવો, રાજીનામાંના ગણતરીના કલાકોમાં જ તેમને નવું પોસ્ટિંગ આપવું, જેવા નિર્ણયો તેમના માટે ગળાની ફાંસ બની રહ્યા છે. જો તેમણે સમગ્ર મામલે ઢાંકપિછાડો કરવાનો પ્રયાસ ન કર્યો હોત, તો આજે તેમણે રસ્તા ઉપર ઊતરવું ન પડ્યું હોત.”
વિશ્વાસના કહેવા પ્રમાણે, વિપક્ષને કોઈ મુદ્દો જોઈતો હતો, તે મળી ગયો. એ જ રસ્તા ઉપર દુકાન ચલાવતા મોહમ્મદ સાબીરનું કહેવું છે, “મુખ્ય મંત્રી મહિલા છે. છતાં એક મહિલા સાથે આટલી બર્બર ઘટના ઘટવા છતાં તેમની પાસેથી અપેક્ષા હોય, એટલી સક્રિયતા સાથે તેમણે કાર્યવાહી ન કરી.”
તેમનું કહેવું છે કે આ મુદ્દે સીબીઆઈ તપાસ કરી રહી છે, પરંતુ રાજ્ય સરકારનો ટ્રૅકરેકૉર્ડ સારો નથી. વિપક્ષના આક્રમણની ધાર બુઠ્ઠી કરવા માટે રાજ્યના સામાન્ય નાગરિકોની જેમ મમતા પણ દોષિતો માટે ફાંસીની સજાની માગ કરી રહ્યાં છે.
પગપાળા ચાલ્યા બાદ મમતાએ જાહેરસભાને સંબોધિત કરી અને વિપક્ષ ઉપર શાબ્દિકપ્રહાર કર્યા અને દોષિતો માટે ફાંસીની સજાની માગનો પુનર્રોચ્ચાર કર્યો.
મમતા બેનરજીએ કહ્યું કે જ્યારે હાથરસ, ઉન્નાવ અને મણિપુર જેવી ઘટનાઓ ઘટી, ત્યારે કેન્દ્ર સરકારે કેટલી ટીમો મોકલી હતી ? બંગાળમાં કોઈને ઉંદર પણ કાતરી જાય, તોય 55 ટીમ મોકલી દેવામાં આવે છે.
મુખ્ય મંત્રીએ કહ્યું કે 164 લોકોની વિશેષ ટીમ બનાવી હતી અને તપાસ પૂર્ણ કરવા માટે રવિવાર સુધીનો સમય માંગ્યો હતો. તપાસપ્રક્રિયા લાંબી હોય છે અને તેમાં સમય લાગે, પરંતુ કોઈને વિશ્વાસ ન બેઠો. આ અંગે રાજકારણ રમવામાં આવ્યું. હવે સીબીઆઈ તપાસ કરે રવિવાર સુધીમાં દોષિતોને ફાંસીની સજા અપાવે.
મમતા બેનરજીએ તેમની સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ તથા સશક્તિકરણ માટે કેવાં-કેવાં પગલાં લીધાં છે તથા યોજનાઓ શરૂ કરી છે, તેની યાદી પણ ગણાવી હતી.
તેમણે ‘વામ અને રામ’ શબ્દપ્રયોગ કરીને, વિપક્ષ વિશેષ કરીને ડાબેરી પક્ષો તથા ભાજપ ઉપર આ મામલે રાજકારણ કરવાનો આરોપ મૂક્યો.