ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૧૦૦૩ કરોડના વિવિધ ૪૫ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.આ પૂર્વે શ્રી અમિતભાઈ શાહે થલતેજ ખાતે પીપીપી મોડલથી તૈયાર થયેલ ઓક્સીજન પાર્ક અને તળાવનું તેમજ મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જીમનેશિયમનું લોકાર્પણ કર્યું હતું. હરિયાળી લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી યોજના અન્વયે તેઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો રૂ.૧૦૦૩ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિકાસના નવા રેકોર્ડ સર કરી રહ્યું છે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રૂ.૭૩૦ કરોડના ખર્ચે ૨૧ પરિયોજનાઓનું લોકાર્પણ અને ૪ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું છે. મારા સંસદસભ્ય હોવાના છેલ્લા ૫ વર્ષમાં એક પણ વર્ષ એવું નથી કે AMC અને રાજ્ય સરકાર દ્વારા એક વર્ષમાં ક્ષેત્રમાં રૂ.૫૦૦૦ કરોડના કાર્ય ન થયા હોય. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતા, આરોગ્ય, બાળકોને રમતગમતનું પ્લેટફોર્મ મળે તેવા તેમજ પર્યાવરણની જાળવણી માટે ઓકસીજન પાર્ક સહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ થયા છે. નજીવી ફી સાથે સ્વિમિંગ અને વિનામૂલ્યે યોગ અને આસનો માટેની વ્યવસ્થાનો। નાગરિકો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકશે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી અનેક વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ૨૦૧૪ માં દેશની જનતાએ દેશના પ્રધાનમંત્રી બનાવ્યા. ગત ચૂંટણીમાં દેશની જનતાએ ૬૦ વર્ષ પછી કોઈ વ્યક્તિને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનું કાર્ય કર્યું. ભારે બહુમતી સાથે અમદાવાદ શહેરને સમાવતી ત્રણેય લોકસભા બેઠકો અને ગુજરાતની ૨૫ બેઠકો જનતાએ ભાજપની ઝોળીમાં આપી તે બદલ જનતાને ધન્યવાદ પાઠવી સતત બીજી વખત ભારે બહુમતથી ગાંધીનગર લોકસભા બેઠક પર થી ભાજપા ઉમેદવાર તરીકે વિજયી બનાવવા બદલ શ્રી શાહે જનતાનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો. શ્રી શાહે અમદાવાદનો ભવિષ્યને અનુકૂળ વિકાસ કરી દેશના શહેરોમાં અગ્રીમ સ્થાને લાવવાનો નગરજનોને વિશ્વાસ આપ્યો હતો.
શ્રી શાહે જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ પૃથ્વી અને માનવતાના અસ્તિત્વ માટે મોટા ખતરા છે ત્યારે આગામી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માતા જીવિત હોય તો તેમને સાથે રાખી અને દિવંગત થયા હોય તો તેમની તસવીર સાથે ‘એક પેડ માં કે નામ‘ વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે. ‘એક પેડ માં કે નામ‘ ફક્ત નારો ના રહેતા જન અભિયાનમાં પરિવર્તિત થયું છે. અમદાવાદની જેમ દેશના અનેક શહેરોએ વૃક્ષારોપણનો સંકલ્પ લીધો છે. અમદાવાદના નાગરિકોને પરિવારના સભ્ય દીઠ એક વૃક્ષના વાવેતર અને ઉછેર માટે અપીલ કરું છું. અ. મ્યુ. કો. એ પણ ૧૦૦ દિવસમાં ૨૦ લાખ વૃક્ષ વાવવાનો સરાહનીય સંકલ્પ કર્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજરોજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરેલ રૂ.૧૦૦૩ કરોડના વિકાસકાર્યોમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ૧૮૫૦ થી વધુ બંધ બોડીના વાહનો, ૧૮૦ મેટ્રિક ટન દૈનિક કેપેસિટી સાથેના બેચ હોટમિક્સ પ્લાન્ટ, ઘોડાસર જંક્શન ફ્લાયઓવર બ્રિજ, કેન્ટોનમેન્ટ ખાતે ડ્રેનેજ પ્રોજેક્ટ, સૈજપુર વોર્ડમાં STP પ્લાન્ટ, ગોમતીપુર વોર્ડમાં અમરાઈવાડી પંપીંગ સ્ટેશન, ઠક્કરબાપાનગર ખાતે ૪૮૫ EWS આવાસ; સરખેજ, મકતમપુરા, લાંભા વોર્ડમાં ૮ સ્માર્ટ સ્કૂલ; દાણીલીમડા, અસારવા, ઠક્કરબાપાનગર વિસ્તારમાં ૪ સ્માર્ટ સ્કૂલ, વાસણા વોર્ડમાં શેલ્ટર હોમ, જોધપુર વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર; નરોડા, ઓઢવ, મોટેરા ખાતે વેજીટેબલ માર્કેટ; ઘાટલોડિયા અને નારણપુરા વોર્ડમાં ૯ આંગણવાડી; વિવિધ વોર્ડમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, વટવા વોર્ડમાં ઓવરહેડ ટેન્ક; સરખેજ, જોધપુર, થલતેજ, અમરાઈવાડી વોર્ડમાં પિંક ટોયલેટ; પાલડી ખાતે સંસ્કાર કેન્દ્રનું રીડેવલપમેન્ટ, બોડકદેવ સબ ઝોનલ ઓફિસ અને શાકમાર્કેટ, ઘાટલોડિયા વિવેકાનંદ તળાવનું સમારકામ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે.
આ તકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૫ ઓગસ્ટે તેમના સંબોધનમાં દેશના મધ્યમવર્ગના પરિવારને ક્વોલિટી ઓફ લાઇફ આપીને વિકસિત ભારતના નિર્માણની વાત કરી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે નાગરિકો માટે વધુ સુવિધાજનક પ્રકલ્પોની ભેટ મળી છે. ઇઝ ઓફ લિવિંગને વધારવા સરકાર નાગરિકોની અપેક્ષા મુજબ સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીના કામોનું શ્રેણીબદ્ધ આયોજન કરી રહી છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, મેયર પ્રતિભાબેન જૈન, સાંસદશ્રી નરહરિ અમીન, શ્રી દિનેશ મકવાણા, શ્રી હસમુખ પટેલ, ધારાસભ્યશ્રીઓ, નગરસેવકો, સિનિયર આગેવાનો, સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.