ગત શનિવારના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. ત્યાર બાદ રવિવારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્વર્ગીય રમેશચંદ્ર સંઘવીની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સમાજના અગ્રણી અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રાર્થના સભામાં હર્ષ સંઘવીએ પપ્પા એટલે શું?તે અંગે ભાવુક સ્પીચ આપતા જણાવ્યું કે, પપ્પા એટલે ગિરનારના પર્વત જેવો મજબૂત સંકલ્પ અને વિશ્વાસ ધરાવતા વ્યક્તિનું નામ પપ્પા હોય છે. પપ્પા એટલે શું? પપ્પા એટલે ઝભ્ભાના ફાટેલા ખિસ્સામાં હાથ નાંખીને પોતાના દીકરા-દીકરીને એમ કહી દે બેટા જે ખરીદવું હોય તે ખરીદ એનું નામ પપ્પા. પપ્પા એ શબ્દ કદાચ માની મમતા કરતા વધારે નથી પરંતુ માનો પ્રેમ, માનુ દુઃખ, માની લાગણી દ્રશ્ય દેખાય. પરંતુ દીકરા-દીકરી કે લાડકવાયાને કોઈ નાનુ મોટું દુઃખ હોય ને તો મમ્મીની આંસુ સાથેની આંખો સામે દેખાશે. પરંતુ રૂમ બંધ કરીને કોઈના આંસુ પડતા હોય ને તો એ પપ્પા જ હોય શકે. પોતાના દીકરા-દીકરીના સપના સાકાર કરવા માટે ચપ્પલો ઘસી નાંખનારનું નામ પપ્પા.
આ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ સહિતના સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીઓ પ્રાર્થનાસભામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત જૈન આચાર્યો દ્વારા શોક સંદેશ પાઠવવામાં આવ્યા હતા. જેનું વાંચન પણ કરવામાં આવ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલ 20 મિનિટ જેટલો સમય રોકાયા બાદ ફરીથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. હર્ષ સંઘવીના મજુરા વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી પ્રાર્થના સભામાં લોકો રોકાયા હતા. મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ પ્રાર્થના સભામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હાજર રહ્યા હતા. ગૌતમ અદાણી પ્રાર્થના સભામાં હાજર રહીને હર્ષ સંઘવી તેમની માતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રાર્થના સભામાં 20થી 30 મિનિટ સુધી રોકાયા હતા. ગૌતમ અદાણી દ્વારા સ્વર્ગસ્થ રમેશચંદ્ર સંઘવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.