નાઘેડી ગામમાં પતિ, પત્ની ઔર વોની ઘટના સામે આવી છે. આડા સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી સળગાવી દીધાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે. જામનગરના નાઘેડી પાસે ચારણના ઝૂંપડામાં શુક્રવારે સવારે એક ચારણ યુવાનનો સળગી ગયેલો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં આ યુવાનને તેના પત્ની તથા પ્રેમીએ સાથે મળી પતાવી દીધાનું ખૂલ્યું છે.
આ મહિલાએ પ્રેમમાં વચ્ચે આવતા પતિની હત્યા માટે પ્રેમીનો સાથ આપ્યાનું ખૂલ્યું છે. ત્યારે પોલીસે પતિની હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લઈને રિમાન્ડ પર લીધા છે.
જામનગર નજીકના નાઘેડી ગામમાં ગુરુવારે રાત્રે પોતાના ઝૂંપડાની બહાર ખાટલો ઢાળીને સૂતેલા કિશોર ધાનસુરભાઈ સુમાત નામના ચારણ યુવાનનો સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેને શુક્રવારે સવારે કોઈએ જોયા પછી પોલીસને જાણ કરી હતી અને બાજુમાં જ ઝૂંપડામાં સૂતેલા કિશોરભાઈના પત્ની જીવણીબેનને પણ જાણ કરી હતી. આ ઘટનાને લઈને દોડી ગયેલા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ કરતા મૃતક કિશોરભાઈના માથામાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ યુવાનને માથામાં લાકડી કે તેવા કોઈ બોથડ પદાર્થથી ઘા ઝીંકવામાં આવ્યો હોવા છતાં અને તેને સળગાવવામાં આવ્યો હોવા છતાં બાજુમાં જ ઝૂંપડામાં નિદ્રાધીન તેમના પત્નીને કેમ જાણ ન થઈ? તેને લઈને શંકા ઉદ્ભવી હતી જેને લઇને પોલીસે આ દિશામાં શંકાના આધારે તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટના અંગે જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા દ્વારા તપાસમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત એલસીબીને તપાસમાં સાથે લેવામાં આવ્યા હતા. જે બાદ તપાસમાં જેની પર શંકા હતી તેવા મૃતકના પત્ની જીવણીબેનની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પતિ કિશોરને પતાવી દીધાનું સામે આવ્યું હતું.
પતિને પ્રેમી સાથે મળી પતાવી આ મહિલાએ પોલીસની તપાસ દરમિયાન જણાવ્યુ હતુ કે, પત્નીને નાઘેડી પાસે જ રહેતા સગરાજ દેવકરણ સુમાત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી જીવણીબેન અને સગરાજ મળતા હતા. આ ઉપરાંત બંને ફોન પર વાતો પણ કરતા હતા. આ દરમિયાન સગરાજે પોતાની પ્રેમિકાને એક મોબાઈલ પણ આપ્યો હતો. અને તેની જાણ પતિ કિશોરને થઈ જતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. તેની વાત જીવણીબેને પ્રેમી સગરાજને કરી હતી અને બંનેએ પ્રેમમાં આડખીલી રૂપ પતિને પતાવી દેવાનો પ્લાન ઘડી કાઢયો હતો.
પત્નીએ પ્રેમી સાથે મળીને બનાવેલા પ્લાન મુજબ ગુરુવારે રાત્રે જ્યારે કિશોરભાઈ પોતાના ઝૂંપડાની બહાર ખાટલો ઢાળીને સૂઈ ગયો હતો. ત્યાર પછી પેટ્રોલ સાથે રાખીને આવેલા સગરાજે લાકડીથી માથામાં કિશોરને માર્યા પછી તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. અને ત્યાંથી સગરાજ ચૂપચાપ નીકળી ગયો હતો.
આ ઘટનાક્રમ બાદ જીવણીબેન પણ કાંઈ ખબર ન હોય તેમ સૂઈ ગયા હતા પરંતુ પોલીસની તપાસ દરમિયાન શંકાના આધારે શરૂ થયેલી ચકોર તપાસના અંતે બંને બચી શક્યા ન હતા. બંને વ્યક્તિની શનિવારે સાંજે પોલીસે ધરપકડ કર્યા પછી રિમાન્ડ પર લીધા છે.