સુરતનાં લિંબાયતમાં એક ગોઝારી ઘટના બની છે. રૂક્ષ્મણીનગરમાં સરાજાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. બાલુ અને પાંડુનાં અડ્ડા નજીક એક વિદ્યાર્થીનું સરજાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનાં બનાવથી ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માગ કરી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા બાલુ અને પાંડુના અડ્ડા નજીક રોહન નામનાં વિદ્યાર્થીનું સરજાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. સૂત્રો મુજબ, દિપક નામના યુવકે આ હત્યાને અંજામ આપ્યો હતો. જો કે, હત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. પરંતુ, વિદ્યાર્થીની સરજાહેરમાં હત્યાથી મૃતકનાં પરિવાર સહિત લોકોમાં ભારે રોષ છે. આજે મોટી સંખ્યામાં લોકો લિંબાયત પોલીસ સ્ટેશન નજીક પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા પહોંચ્યા હતા. પરંતુ, લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથ લીધા હતા.
દરમિયાન, લોકોનો રોષ વધુ ઉગ્ર થતાં લિંબાયત પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી. દરમિયાન, એક મહિલાને પુરુષ પોલીસે પકડવાનો પ્રયાસ કરતા લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ કહ્યું કે, વિદ્યાર્થીનું ગળું કાપીને સરજાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને ઝડપી ન્યાયની માગ કરી હતી. સાથે જ લોકોએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સ્કૂલની બાજીમાં જ દારૂનો અડ્ડો ધમધમે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો કે, રોહનની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે હત્યારો દિપક હાલ પણ પોલીસ પકડથી દૂર છે.