લૂંટેરી દુલ્હનના કિસ્સા તો સાંભળ્યા હશે પરંતુ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં તો લૂંટેરી પુત્રવધૂનો કિસ્સો સામે આવ્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બે બાળકોની માતાએ દીકરાઓ મોટા થઈ ગયા છે. ઘરમાં રહેવાની અગવડ પડી રહી છે તેમ કહીને સસરાનું મકાન વેચીને બીજું નવું મકાન લઈને મકાનના રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના લઈને પુત્રવધૂ રફૂચક્કર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
આ મામલે સસરાએ મેઘાણીનગર પોલીસમાં પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારી રહેલા માલીરામ જાંગીડએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 86 વર્ષીય માલીરામ જાંગીડના પુત્ર મહેશના લગ્ન વર્ષ 2000માં થયા હતા. લગ્ન બાદ પિતાએ પોતાનું મેઘાણીનગરમાં વેલી મકાન પુત્ર અને પુત્રવધૂને રહેવા માટે આપ્યું હતું. ત્યારબાદ સસરા અને સાસુ ગામડે રહેવા જતા રહ્યા હતા. વર્ષ 2023માં હોળીનો તહેવાર હોવાથી માલીરામનો પુત્ર અને તેમની પુત્રવધૂ ગામડે તહેવાર કરવા માટે આવ્યા હતા. આ સમયે પુત્રવધૂએ સસરાને વાત કરી કે હવે અમારા છોકરાઓ મોટા થઈ ગયા છે અને મેઘાણીનગરના મકાનમાં રહેવાની ઘણી અગવડતા પડી રહી છે. માટે આ મકાન વેચીને બીજી મોટું મકાન લેવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી પુત્રવધૂની વાતનો સ્વીકાર કરીને સસરાએ મકાન વેચવાની મંજૂરી આપી દીધી હતી.
ત્યારબાદ મુકેશ ઓઝા નામના વ્યક્તિને રૂ. 23 લાખમાં મકાન વેચી દેવામાં આવ્યું હતું. સસરાએ પુત્ર મહેશ પાસે મકાન વેચાણનો હિસાબ માંગતા તેણે પત્ની રજની પાસે છે તેમ જણાવ્યુ હતું. ત્યારે સસરાએ પુત્રવધૂ પાસે હિસાબ માંગતા ગલ્લાતલ્લા કર્યા હતા અને નરોડામાં નવુ મકાન ખરીધ્યુ તેમાં રૂપિયા ભરેલ છે તેમ જણાવ્યુ હતુ. જે બાદ મહેશે પણ પત્ની પાસે હિસાબ માંગતા યોગ્ય જવાબ આપ્યો ન હતો. બાદમાં સસરા અને પતિએ તપાસ કરતા નવા ઘરમાં રૂ. 7 લાખ ભર્યા હતા અને બાકીના રૂપિયાનો હિસાબ મળ્યો ન હતો. ગત 10 એપ્રિલે પુત્રવધૂ કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. જેથી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મહિના બાદ તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પતિ સાથે રહેવા તૈયાર નથી તેમ જણાવ્યુ હતુ.
જેથી માલીરામ અને મહેશને કંઈક ખોટું થયાની શંકા જતા તપાસ કરતા તેમની પુત્રવધૂ સોના-ચાંદીના દાગીના અને મકાનના રૂપિયા સહિત કુલ રૂ. 28.98 લાખ લઈને જતી રહી હતી અને તમામ સંબંધ તોડી નાખ્યા હતા. આ અંગે સસરાએ પુત્રવધૂ વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.