રાજકોટમાં ગઈકાલે રાતથી મેઘરાજાની સવારી આવી પહોંચતાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો હતો. વરસાદને કારણે મેળામાં ઠેર-ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત મોટી રાઈડસ પણ હજુ ચાલુ ન થતાં વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વરસાદને કારણે પબ્લિક ન આવતાં વેપારીઓને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. 24મી ઓગસ્ટના છઠ્ઠથી શરૂ થયેલા લોકમેળામાં પ્રથમ દિવસે ખૂબ જ ઓછા લોકોએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાઈડ્સ વિનાના મેળામાં વરસાદને લીધે ધંધો ઠપ થઈ જતાં વરસાદ વિરામ લે અને મેળાના દિવસો વધારવામાં આવે એવી માગ કરવામા આવી રહી છે. સવારના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ધીમી ધારે 1 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ 11 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેને લઈને બપોર સુધીમાં સવાબે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અટીકા નજીક વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી હતી. આ ભારે વરસાદને કારણે આજી નદી આસપાસના વિસ્તારો અને પોપટપરા નાલા, રેલનગર અન્ડરબ્રિજ સહિતનાં સ્થળે પાણી ભરાઈ ગયાં હતાં. એક વેપારીએ જણાવ્યું હતું કે રાઇડસ વિનાના મેળામાં લોકો ખૂબ ઓછા આવે છે. જન્માષ્ટમીમાં આ વખતે મેળા જેવું લાગતું નથી. અમારી ચાંદ સીતારા અને મોતના કૂવાની રાઈડસ છે. વરસાદને કારણે વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે, જેથી મેઘરાજા વિરામ લે એવી પ્રાર્થના છે અને વહીવટી તંત્રને પણ એવી અપીલ છે કે 28મી ઓગસ્ટ સુધી લોકમેળો ચાલવાનો છે તો એમાં એક-બે દિવસ વધારવામાં આવે. જ્યારે આઇસક્રીમના સ્ટોલ જેમણે રાખ્યો છે એ વેપારીએ જણાવ્યું હતું કે મેળામાં આઈસ્ક્રીમના 8 સ્ટોલ રાખેલા છે. જોકે આજે ખૂબ જ વરસાદ છે, એને કારણે ધંધામાં ખૂબ જ મોટું નુકસાન જાય તેમ છે. રાઈડસ ન હોવાને લીધે પબ્લિક પહેલેથી જ ખૂબ ઓછી હતી અને આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ જતાં મેળો ખાલી થઈ ગયો છે. આઇસક્રીમના 8 સ્ટોલના રૂ. 40 લાખ ભર્યા છે, જોકે વરસાદને કારણે રૂ. 40 લાખના રૂ. 20 લાખ કમાવવા અઘરા છે. પ્રથમ દિવસે જે લોકો મેળાની મજા માણવા આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે અમે વર્ષોથી લોકમેળાની મજા માણવા આવી છીએ, પણ આ વખતે મેળાની સાચી મજા માણી નહિ શકીએ. અમે લોકમેળામાં આઇસક્રીમ સહિત વાનગીઓ આરોગી છીએ. બધી જ રાઈડસમાં બેસીને મજા માણતા હોઈએ છીએ. ભીડમાં લાઈનમાં ઊભા રહેવા બાદ રાઈડસમાં બેસવાની મજા અલગ છે, એ હવે આ વખતે દેખાતી નથી. રાઈડ્સ વગરનો મેળો લોકોને ફિક્કો લાગ્યો હતો ત્યારે હવે વરસાદનું વિઘ્ન મેળામાં લોકોની હાજરી હજુ ઘટાડી શકે છે.