પૂણેના જિલ્લા કલેક્ટર કચેરીની બહાર મહંત રામગીરી વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા. હકીકતમાં, શુક્રવારે પૂણેમાં ચંદ્રશેખર રાવણની પાર્ટી આઝાદ સમાજ પક્ષ દ્વારા પુણે કલેક્ટર ઓફિસ પર એક વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો.
મહંત રામગીરીની ધરપકડની માંગ સાથે આ મોરચો કાઢવામાં આવ્યો હતો. મોરચો કલેક્ટર કચેરીએ પહોંચતાની સાથે જ મોરચામાં સામેલ લોકોએ ‘ગુસ્તાખ એ રસૂલની એક જ સજા, સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા.
પોલીસે આ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર અંગે કેસ નોંધ્યો છે. માહિતી અનુસાર પુણે પોલીસે કલમ 189, 190, 196, 223 અને BNSની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કુલ 28 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત 200 થી 300 જેટલા અજાણ્યા આરોપીઓ છે. એવું કહેવાય છે કે આઝાદ સમાજ પાર્ટીના ભીમરાવ કાંબલેએ પોલીસની પરવાનગી વિના આ મોરચો કાઢ્યો હતો.
વાસ્તવમાં, મહંત રામગીરી પર નાસિકના સિન્નરના પંચાલે ગામમાં એક ઉપદેશ દરમિયાન ભડકાઉ ટિપ્પણી કરવાનો આરોપ છે. આ મામલે તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. સંભાજી નગર અને અહેમદનગરમાં પણ ટોળાએ તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
મહંત રામગીરી વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે મહંત રામગીરીએ કથિત રીતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મહંત રામગીરીનું કહેવું છે કે તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.