ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામે સ્કૂલવાન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં 62 ગ્રામ એમડી ડ્રગ્સ, 5-5 ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલી અને વજનકાંટા સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો, સ્કૂલવાન ચાલકની ધરપકડ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા.
આ દરમિયાન સ્કૂલવાનના ડ્રાઇવર પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોય કે તે ડ્રગ્સ કોની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નહિ ત્યારે પ્રકાશ પટેલે ગામના સરપંચે તેને ફસાવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી.
પોલીસે રહાડપોર ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ઉપસરપંચ એવા ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને બોલાવ્યો અને તેની કડક પૂછપરછ શરૂ કરી, તેના મોબાઈલની સીડીઆર સહિત ઝીણવટભરી તપાસ કરવામાં આવી એટલે આખરે તે ભાંગી પડ્યો હતો. પછી તેણે પ્રકાશ પટેલની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરું ઘડ્યાની કબૂલાત કરી હતી. સ્કૂલવાનમાં સામગ્રી મૂકવા માટે રહાડપોર ગામના આશિયાના પાર્કમાં રહેતા અહેમદખાન ઉર્ફે શાહરુખ શોકતખાન પઠાણને ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલું, સાડા ત્રણ લાખ રૂપિયા ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે આપ્યા હતાં તેવી વિગતો બહાર આવી એટલે પોલીસે સ્કૂલવાનમાં ડ્રગ્સ મૂકનાર અહેમદખાન ઉર્ફે શાહરુખ શોકતખાન પઠાણની પણ ધરપકડ કરી, એ માણસે ડ્રગ્સનો આ જથ્થો વડોદરાના હાથીખાના વિસ્તારમાં પટેલ ફળિયાના રહેવાસી આફતાબ ઉર્ફે અપ્પુ સિકંન્દર શેખ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપી હતી.
દરમ્યાન ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલની ડ્રગ્સ કૌભાંડમાં સંડોવણી સામે આવી એટલે ભાજપ પણ ભીંસમાં મુકાયો છે, ગુલામ ફરીદ પટેલને સસ્પેન્ડ કરવામાં આવશે તેવું એક મીડિયા રિપોર્ટમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાને ટાંકીને જણાવવામાં આવ્યું છે.