12 ઈંચ વરસાદથી વડોદરા ફરી પાણીમાં ગરક થઈ ગયું છે. શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે. વિશ્વામિત્રી ગાંડીતૂર થતાં ફરી પૂરનો ખતરો તોળાયો છે. સતર્કતાના ભાગરૂપે 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અતિભારે વરસાદથી જરોદનું પાંચ દેવલા ગામ રીતસર ડૂબી ગયું. અહીં રોડ પર છાતી સમા પાણી ભરાઈ ગયાં. જેને પગલે 30 કુટુંબોને સલામત સ્થશે ખસેડવામાં આવ્યા છે.
છોટા ઉદેપુરના શિહોદ-ભારજ નદી પરના બ્રીજના બે કટકા થઈ ગયા છે. સુખી ડેમનું પાણી છોડાતાં પૂલના ફાડિયાં થઈ ગયા છે. આ તરફ સમલવાંટની કોતરોમાં ઘોડાપૂરથી મૈયતમાં ગયેલા લોકોએ ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે કોતર પસાર કરી.
ભારે વરસાદથી લુણાવાડા-દાહોદ સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો છે. ચિબોટા નદીમાં ગાંડીતૂર થતાં સંતરામપુર પાસે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો.
ગોધરામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ખાડી ફળિયા વિસ્તારમાં ઝાડ પડી ગયું, જ્યારે ચિત્રાખાડીમાં ઘરોમાં પાણી ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરાના ભુરખલમાં દીવાલ ધરાશાઈ થતાં ગાયનું મોત થયું અને બે પશુ ઈજાગ્રસ્ત થયા છે.
ડાંગમાં અતિભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર છે. આ સ્થિતિમાં મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તાપીના ડોલવણમાં પૂર્ણા નદીમાં પૂરને કારણે આંબાપાણી ઈકો ટૂરિઝમ બંધ કરી દેવામાં આવ્યું. જળસપાટી વધતાં કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સરેરાશ 6 ઈંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયું. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં. પાણીમાં અંડરપાસ બંધ થઈ જતાં વાહનચાલકો અટવાઈ ગયા.
સાણંદના દોદર ગામે દીવાલ પડતાં યુવકનું મોત થયું છે. 28 વર્ષીય યુવક સૂતો હતો ત્યારે અચાનક દીવાલ પડી. આ દુર્ઘટનાથી પરિવાર શોકમગ્ન છે.
કડી પંથકમાં બે દિવસમાં 10 ઈંચ વરસાદથી વરખડિયા અને દૂધઈ ગામ બેટમાં ફેરવાયા છે. 50થી વધુ ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.
હિંમતનગરના કાટવાડ કોઝવે પર કાર પાણીમાં ફસાઈ ગઈ. અડધો કલાકની જહેમત બાદ ફાયરની ટીમે બે વ્યક્તિઓને સલામત રેસ્ક્યુ કર્યા.
ગોંડલ પંથકમાં બે દિવસમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં મોવિયાના જૂના ઝાંપા પાસેનો રાજાશાહી વખતનો પુલ ધરાશાયી થઈ ગયો છે. પેલેસ રોડ પર બાઈક પર વૃક્ષ પડતાં પેલેસની ગ્રીલને નુકસાન થયું છે.