‘દેશી ટારઝન’ તરીકે જાણીતા ગૌભક્ત પહેલવાન સંજય સિંહે ભારતમાં જ્યાં સુધી પ્રાકૃતિક ખેતી વ્યાપક રૂપે નહીં અપનાવાય ત્યાં સુધી અન્ન નહીં ખાવાનું પ્રણ લીધું છે. ભારતભરમાં મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે પછી પ્રાકૃતિક અનાજ જ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંજય સિંહ પહેલવાનને શુભકામનાઓ પાઠવી હતી અને પ્રાકૃતિક ખેતી અભિયાનને વધુ વેગવાન બનાવવા માટેના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.
સંજય સિંહ પહેલવાન હરિયાણાના પલવલ જિલ્લાના કુશક બડૌલી ગામના નિવાસી છે. કહેવાય છે કે, 25 વર્ષના સંજય સિંહ પહેલવાન માત્ર ફળ-ફળાદી, દેશી ગાયનું દૂધ અને દેશી ગાયનું ગૌમૂત્ર જ પીએ છે. દેશી ગાયના ગોબરથી તેઓ સ્નાન કરે છે. દિવસમાં તેઓ લગભગ 8 થી 10 લીટર દૂધ આરોગે છે તે પણ દેશી ગાયનું. બ્રેક લીધા વિના 10 કલાકમાં 30,000 દંડ-બેઠક (પુશ અપ્સ) જીમની ભાષામાં કહીએ તો ‘બર્પી’ કરવાનો કીર્તિમાન સ્થાપિત કરનાર સંજય સિંહ પહેલવાન દેશી ગાયના પરમ ભક્ત છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંજય સિંહ પહેલવાનને ‘શક્તિપૂંજ’ની ઉપમા આપીને તેમનામાં ગાયના વાછરડા જેવી ચુસ્તી-સ્ફૂર્તિ છે એમ કહ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહન અને પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતી અભિયાન દેશભરમાં વ્યાપક બની રહ્યું છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિને ગૌભક્ત સંજય સિંહ પહેલવાન જેવા જાગૃત અને જવાબદાર આગેવાનોનો સહયોગ મળશે તો ઘણા ખેડૂતો આ મિશનમાં જોડાશે.
ગૌભક્ત સંજય પહેલવાન પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સંજય પહેલવાન જેવા યુવાનો પ્રાકૃતિક ખેતીના મિશનમાં જોડાય તો વિશ્વ કલ્યાણ માટેનો આ પ્રયત્ન જલ્દી સફળ થશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેડૂતો આત્મનિર્ભર અને ભારત ‘વિકસિત ભારત’ બનશે.
પોતાના નામની આગળ ‘ગૌભક્ત’ લખાવતા સંજય સિંહ દરેકનું અભિવાદન પણ ‘જય ગૌમાતા’ બોલીને કરે છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિના આગ્રહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેમણે પ્રાકૃતિક ખેતી અભિયાનને વધુ વેગવાન બનાવવા પોતાના સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સમક્ષ દંડ-બેઠક (બર્પી) – સપાટાનું નિદર્શન પણ કર્યું હતું.