રેલવે બોર્ડના નવા ચેરમેન ઈન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ અધિકારી સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે. સતીશ કુમાર 1 સપ્ટેમ્બરથી કાર્યભાર સંભાળશે. તેઓ વર્તમાન પ્રમુખ અને સીઈઓ જયા વર્મા સિન્હાનું સ્થાન લેશે. બોર્ડના ઈતિહાસમાં સતીશ કુમાર પ્રથમ દલિત અધ્યક્ષ અને સીઈઓ હશે.
કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂર કરાયેલી આ નિમણૂક 1 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે. સતીશ કુમારે 5 જાન્યુઆરી 2024 ના રોજ રેલવે મંત્રાલયમાં રેલવે બોર્ડમાં સભ્ય તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
ભારતીય રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સના 1986 બેચના અધિકારી સતીશ કુમાર ઔપચારિક રીતે માર્ચ 1988માં ભારતીય રેલવે સેવામાં જોડાયા હતા. તેમની પાસે 34 વર્ષનો અનુભવ છે. અગાઉ તેઓ ઉત્તર મધ્ય રેલવે, પ્રયાગરાજમાં જનરલ મેનેજર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે એપ્રિલ 2017 થી એપ્રિલ 2019 સુધી ઉત્તર રેલવેના લખનઉ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર તરીકે પણ સેવા આપી હતી.
ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજરના પદ પહેલાં, તેમણે ઉત્તર પશ્ચિમ રેલવે, જયપુરમાં વરિષ્ઠ ઉપ મહાપ્રબંધક અને મુખ્ય તકેદારી અધિકારી તરીકે કામ કર્યું છે. સતીશ કુમારે પ્રતિષ્ઠિત માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જયપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી છે અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી ઓપરેશન્સ મેનેજમેન્ટ અને સાયબર લોમાં PG ડિપ્લોમા પણ ધરાવે છે.