ગુજરાતને છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ બાનમાં લીધું છે. રાજ્યમાં પડેલા અતિ ભારે વરસાદથી અનેક જિલ્લાઓ જળબંબાકાર થયા છે. તો કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. તો બીજી તરફ અનેક જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે કેટલાક ગામોનો વીજપુરવઠાને માઠી અસર પહોંચી છે.
રાજ્યમાં પડેલા અતિ ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારનો સંપર્ક તૂટી ગયો હતો. પાણી ભરાવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 600થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચી છે. આ ઉપરાંત ભારે પવનને લીધે ચાર દિવસમાં જ PGVCLના 1122 વીજપોલ ધરાશાયી થયા છે.
આ સિવાય 67 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે તો બીજી તરફ એક જ દિવસમાં 1528 ફિડરો બંધ થઈ ગયા હતા. હાલ રાજ્યમાં જૂદી-જૂદી વીજ કંપનીની ટીમ દ્વારા વીજ પુરવઠો શક્ય તેટલો વહેલો શરુ થાય તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત ત્રણ દિવસ પડેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે તેમજ ડેમ ઓવરફ્લો થયા છે. તેવામાં અનેક વિસ્તારોમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે.