વડોદરાને વિશ્વામિત્રીના પાણીએ ધમરોળવામાં કશું બાકી રાખ્યું નથી ત્યારે બુધવારે સરાકરના બે મંત્રીઓ ૠષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મદદના નામે વડોદરામાં આવીને ફ્લડ ટુરિઝમ કરીને રવાના થઈ ગયા હોવાની લાગણી મોટાભાગના લોકોએ વ્યક્ત કરી હતી.
આ બંને મંત્રીઓએ વડોદરાના પૂરના પાણીમાં પગ મૂકવાનુ પણ મુનાસિબ સમજ્યું નહોતું. તેમના માટે સૌથી વધારે ઉંચાઈ ધરાવતા ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ પછી આ મંત્રીઓ જાણે સિંહાસન પર બીરાજીને શોભાયાત્રમાં નીકળ્યાં હોય તે રીતે વડોદરામાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યાં હતા. સાથે તેમના રસાલામાં દરબારીઓની જેમ વડોદરાના અધિકારીઓ અને નેતાઓ જોડાયા હતા. આટલા પૂર વચ્ચે પણ તંત્ર પ્રોટોકોલ ભૂલ્યું નહોતું અને આગળ એક ગાડી સાયરન વગાડતી નીકળી હતી.
મંત્રીઓના ફોટા પડે અને વિડિયોગ્રાફી થાય તેનું બરોબર ઘ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં સુધી તેઓ વડોદરામાં હતા ત્યાં સુધી આખુ તંત્ર અને તમામ અધિકારીઓ તમામ પ્રકારની બચાવ કામગીરી છોડીને તેમની તહેનાતમાં રોકાઈ રહ્યાં હતા.એ પછી તેમણે રાબેતા મુજબ એક પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપ્યા હતા.