કોલકાતામાં લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. રેપ કરીને લેડી ડોક્ટરનું મર્ડર કરી નાખવામાં આરોપી સંજય રોય એકલો નહોતો તેને લઈને હવે સીબીઆઈએ ખુલાસો કર્યો છે. સીબીઆઈએ આશંકા છે કે લેડી ડોક્ટરના રેપ અને મર્ડરમાં આરોપી સંજય રોય એકલો સામેલ નથી, તેના કહેવા પ્રમાણે આ કેસમાં બીજા લોકો પણ સંડોવાયેલા છે.
આ કેસમાં એક નવો વીડિયો સામે આવ્યો છે. લગભગ 43 સેકન્ડના આ વીડિયોમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો 9 ઓગસ્ટની ઘટના પછીનો છે. આ વીડિયોમાં મૃતદેહની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ છે. આ વીડિયો આ મામલામાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. ખરેખર, હત્યાના આ કેસમાં આટલી ભીડ લાશના 50 મીટરની અંદર કેવી રીતે પહોંચી ગઈ? ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતોનું માનવું છે કે ભીડને કારણે ઘટના દરમિયાન પુરાવા નષ્ટ થવાનો ભય રહે છે.
મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે કથિત વીડિયોમાંના લોકો આરજી કાર હોસ્પિટલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ સંજીવ ચટ્ટોપાધ્યાય, વકીલ શાંતનુ ડે, હોસ્પિટલના તત્કાલીન પ્રિન્સિપાલ સંદીપ ઘોષના પીએ પ્રસૂન ચટ્ટોપાધ્યાય અને ફોરેન્સિક ડેમોસ્ટ્રેટર દેવાશિષ સોમ હતા. જો કે હાલમાં તપાસ એજન્સી આ વીડિયો અંગે કોઈ ખુલાસો કરી રહી નથી. જો એજન્સીના સૂત્રોનું માનીએ તો વીડિયોની તપાસ માટે સાયબર ક્રાઈમ નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ મામલામાં પૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષ પર ક્રાઈમ સીન પરથી પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. સીબીઆઈ તેની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં, મૃતદેહની નજીક તેના પીએ અને અન્ય પરિચિતોની હાજરી તેના પર શંકા પેદા કરે છે. અગાઉ સીબીઆઈ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સંજય રોય નેક્રોફિલિક વૃત્તિઓ ધરાવે છે. મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિને ડેડ બોડી સાથે સંબંધ રાખવાનું વળગણ હોય છે.