ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયાને એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે. એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરિયાદના આધારે છટકું ગોઠવી એ.એસ.આઈ વિજયભાઈ રમણભાઈ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઈ પાટીલને રંગે હાથ પકડયા છે. આરોપીઓની ધરપકડ કરી એ.સી.બી.એ જરૂરી કાર્યવાહી આરંભી છે.
એ.સી.બી. ગુજરાતના ટોલ ફ્રી નંબર 1064 પર સુરતના એક રહીશે ટ્રાફિક પોલીસની કનડગત અને લાંચની ફરિયાદ કરી હતી. સુરત શહેર ખાતે ટેમ્પો એસોસીએશન ચલાવતા હોદ્દેદારે એ.સી.બી.ના અધિકારીની રૂબરુ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1 હજાર રૂપિયાની લાંચ માગવાની ફરિયાદ કરી હતી.
એ.સી.બી. અધિકારીએ લાંચની ફરિયાદ આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપીંગ સેન્ટર ખાતે એક છટકું ગોઠવ્યું હતું. આજરોજ સુરત ખાતે રહેતો સંજય દિનકરભાઈ પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો. સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન-2, સેમી સર્કલ-14 ખાતે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વિજયભાઇ રમણભાઈ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી. દરમિયાનમાં એ.સી.બી.ની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઈ લાંચની રકમ કબજે લીધી હતી.
સંજય પાટીલ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઈ જતાં એ.સી.બી.ની અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજયભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા. એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક-એક મોબાઈલ ફોન કબજે લીધા છે. લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજયભાઈ ચૌધરી છેલ્લાં 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લાં 5 વર્ષથી રિજિયન-2માં નોકરી કરી રહ્યાં છે.