કહેવાય છે કે લગ્ન કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. વૃદ્ધાવસ્થામાં પણ પુનઃલગ્ન અને પ્રેમ લગ્નના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે આ વખતે રાજ્યના એક પૂર્વ ધારાસભ્યએ 60 વર્ષની ઉંમરે બીજી વખત લગ્નગ્રંથિમાં જોડાયા છે. વલસાડના ધરમપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ 60 વર્ષે બીજી વખત લગ્નગ્રંથિમાં જોડાયા છે.
ઈશ્વરભાઈ પટેલે વલસાડના અટગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન નામના એક મહિલા સાથે કોર્ટ લગ્ન કર્યા છે.
ઈશ્વરભાઈ અને ઓપીનાબેને તેમના પરિવારજનોની હાજરીમાં વાંસદાની કોર્ટમાં કોર્ટ મેરેજ કરી અને વાંસદા રામજી મંદિરમાં ભગવાનની સાક્ષીએ એકબીજાના જીવનસાથી બનવાના કોલ આપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલા ધરમપુરમાં અને આસપાસના વિસ્તારમાં આદિવાસી જાણીતો ચહેરો હતો. તેઓ કોંગ્રેસની ટિકિટ પર જીતી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. બાદમાં તેઓ કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા.
તેમના પ્રથમ પત્નીનું વર્ષો અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું. આથી ત્યારથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા. જોકે હવે ઉંમરની ઢળતી સંધ્યાએ જીવનની એકલતા દૂર કરવા જીવનસાથીની જરૂર જણાતા તેઓએ પોતાની પસંદગીના અટગામના કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન સાથે જીવનની બીજી ઇનિંગની શરૂઆત કરી છે.
ઈશ્વરભાઈએ ખુલીને તેમના આ બીજી વખત લગ્ન કરવાના વિષય પર સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરી છે. તેમના મત મુજબ તેઓ પ્રથમ પત્નીના અવસાન બાદ વર્ષો સુધી એકલવાયું જીવન જીવતા હતા. જોકે હવે તેમને જીવનસાથીનો ખાલીપો દૂર કરવા જીવનસાથીની જરૂર જણાતા તેઓએ બીજી વખત લગ્ન કર્યા છે. હવે તેઓ આ નવા જીવનસાથીને કારણે તેમનું આવનાર જીવન શાંતિપૂર્ણ રીતે વિતાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જોકે અત્યારે તો એક પૂર્વ ધારાસભ્યના પુનઃલગ્ન અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.