અમદાવાદ શહેરના નરોડામાં નાના ચિલોડા પાસે આવેલ હોટલ પરથી ચાર શખ્સોએ હેડ કોન્સ્ટેબલની પુત્રવધુને કારમાં જબરદસ્તી બહાર કાઢીને અન્ય કારમાં બેસાડી અપહરણ કરીને હિંમતનગર તરફ ભાગી ગયા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલના પુત્રે પ્રેમલગ્ન કર્યા હોવાથી પુત્રના સાસરીપક્ષના લોકોએ અપહરણ કર્યુ હોવાની શંકા સેવાઇ રહી છે. આટલું જ નહીં, આ શખ્સોએ ટેબલ પરથી તમે રૂપિયાની ચોરી કરી છે કહીને ઝઘડો કર્યો હતો.
આ અંગે હેડ કોન્સ્ટેબલના પુત્રે અજાણ્યા શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા અભિરાજ પંડ્યા હિંમતનગર-શામળાજી રોડ પર આવેલ કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. તેમના પિતા હેમંતભાઇ શાહિબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. બે વર્ષ અગાઉ અભિરાજ હિંમતનગર રહેતો હતો. ત્યારે દિયા પટેલ નામની યુવતી સાથે તેને કોફીશોપમા સંપર્ક થયો હતો. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. ગત 6 ઓગસ્ટે 2024માં યુવક અને યુવતીએ આણંદમા આવેલા મંદિરમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. તેમજ ભાદરણ ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણી પણ કરાવી હતી.
બાદમાં પતિ પત્ની અલગ અલગ જગ્યાએ ફરતા હતા અને ગત 14 ઓગસ્ટે અભિરાજના પોતાના ઘરે તેની પત્ની દિયાને લઈને આવ્યો હતો. ગત 28 ઓગસ્ટે અભિરાજ પરિવારના સભ્યો સાથે નાના ચિલોડા પાસે આવેલ કાકા ભાજીપાઉ હોટલમાં જમવા માટે ગયો હતો. હોટલમાં જમ્યા બાદ પરિવાર ગાડીમાં બેઠો હતો. તેટલામાં ત્યાં આગળ એક ક્રેટા કારમાં ચાર અજાણ્યા શખ્સો આવ્યા અને અભિરાજની કાર પાસે જઇને તેની માતાને કહેવા લાગ્યા કે તમે ટેબલ પરથી રૂપિયાની ચોરી કરી છે, કહીને અભિરાજના પરિવાર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.