ઔડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય પટેલ
અંડરપાસની રિટેઈનીંગ વૉલના વૉટર સ્પાઉટ વિપ હોલ્સમાંથી અવિરત અંડરપાસમાં પડતું રહ્યું જેના કારણે અંડરપાસમાં પાણીનો જથ્થો સતત વધતો રહ્યો
અમદાવાદ
અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ તથા ગાંધીનગરમાં પડેલ ભારે વરસાદના પરિણામે અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) હસ્તકના સરદાર પટેલ રિંગ રોડ પર સ્થિત અને ઝુંડાલ સર્કલ તથા વૈષ્ણોદેવી સર્કલને જોડતા ત્રાગડ અંડરપાસમાં ખુબજ પાણી ભરાઈ ગયેલ હતું અને અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ હતો.અંડરપાસ વેસ્ટર્ન રેલવે લાઈન હેઠળ બનાવવામાં આવેલ છે અને વેસ્ટર્ન રેલવેના ત્રણ ટ્રેક તેના પરથી પસાર થાય છે. ગાંધીનગર થી અમદાવાદ તરફની દિશામાં કુદરતી ઢોળાવના કારણે ગાંધીનગરના અડાલજ, જમિયતપુરા તથા ખોરજ ગામોમાંથી પાણીનો પ્રવાહ આ રેલવે લાઈન પરથી સતત અંડરપાસ તરફ આવવાનું ચાલુ રહેલ. આ પાણી સદર અંડરપાસની રિટેઈનીંગ વૉલના વૉટર સ્પાઉટ વિપ હોલ્સમાંથી અવિરત અંડરપાસમાં પડતું રહ્યું; જેના કારણે અંડરપાસમાં પાણીનો જથ્થો સતત વધતો રહેલ. અંડરપાસમાં પાણીના નિકાલ અંગે કરવામાં આવેલ વ્યવસ્થાના સાપેક્ષમાં પ્રવાહ ઘણો વધારે હોવાના કારણે તેનો નિકાલ ટૂંકા ગાળામાં થઇ શકે તેમ નહોતો. અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંડરપાસમાંથી પાણીનો નિકાલ કરવા માટેની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવેલ. પરંતુ ટૂંકા ગાળામાં પડેલ ભારે વરસાદના કારણે અને આજુબાજુના વિસ્તારોમાંથી પાણીની આવક સતત ચાલુ રહેવાના કારણે અંડરપાસના વિપ હોલ્સમાંથી પાણી પડવાનું ચાલુ રહેલ અને પાણીના નિકાલની કામગીરી પડકારરૂપ બનેલ. જો કે અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ તેમજ અમદાવાદ રિંગ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (સદ્દભાવ ગ્રુપ)ના સ્ટાફ દ્વારા પાણીનો નિકાલ કરવા અવિરત પ્રયત્નો કરવામાં આવેલ. તંત્ર દ્વારા ૧૦ થી ૧૨ હેવી ડ્યુટી ડિવોટરિંગ પમ્પનો ઉપયોગ કરીને લગભગ ૬૦ કલાકના અથાક પ્રયત્નો બાદ શુક્રવાર સાંજે ૮ વાગ્યા સુધીમાં ત્રાગડ અંડરપાસમાંથી પાણીનો સંપૂર્ણપણે નિકાલ કરીને અંડરપાસની સફાઈ હાથ ધરવામાં આવેલ છે.અંડરપાસ આજ રોજ રાત્રે ૧૦ વાગ્યાથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.