રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં કચ્છ ઉપર સ્થિર થયેલું ડિપ ડિપ્રેશન આગળ વધ્યું છે. તેમજ ડિપ ડિપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી આગળ વધશે અને કચ્છનાં જખૌ બંદરથી અરબી સમુદ્રમાં જશે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 24 થી 36 કલાક સાવધાન રહેવું.
ડિપ ડિપ્રેશન વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ ખતરો નથી. જો વાવાઝોડું બનશે તો થોડા આયુષ્ય વાળું હશે. તેમજ ડિપ ડિપ્રેશન સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં જશે. જેથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે કચ્છ પર સક્રિય સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જશે. હાલ રાજય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન આવશે. દરિયાના તોફાનને કારણે 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ જણાવ્યું કે આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં 30 ઓગસ્ટ બાદ વરસાદ હળવો થશે. આગાહી પ્રમાણે આગામી 2થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. આગાહી અનુસાર, 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાથી આવેલું વહન વરસાદ લાવશે. સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થશે.
સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદના ઝાપટા રહેશે. સાથે જ અંબાજી અને દાતાના ડુંગરોમાં પણ વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે. સાથે જ તેમણે કહ્યું કે આ દરમિયાન કૃષિ પાકમાં રોગ આવવાની શકયતા રહેશે.