રાજ્ય સરકારને લગતા સંખ્યાબંધ કેસો કોર્ટોમાં ચાલી રહ્યા છે ત્યારે કેસો સંબંધિત ચોક્કસ મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે સ્ટેટ લિટીગેશન પોલિસીમાં ફેરફાર કરાયો છે. જે સચિવાલયના વિભાગો સિવાયની કચેરીઓને લાગુ પડશે. જેમાં મહત્વના ફેરફારમાં કેસ મુદ્દે સંબંધિત વહીવટી વિભાગ અને કાયદા વિભાગ વચ્ચે મંતવ્યમાં તફાવત ઉદ્દભવે ત્યારે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને નિમાયેલી કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.આવી બાબતો અત્યાર સુધી સંબંધિત મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ પણ નિર્ણય માટે જતી હતી.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 30 ઓગસ્ટે સ્ટેટ લિટીગેશન પોલિસીમાં સુધારા કરીને એક મહત્વની જોગવાઇ દૂર કરવામાં આવી છે. સચિવાલય વિભાગો સિવાયની કચેરી માટે 2022ની કાર્યપધ્ધતિ મુજબ જે કેસમાં સંબંધિત વિભાગ અને કાયદા વિભાગ વચ્ચે મંતવ્યમાં તફાવત ઉદ્દભવે ત્યારે તેવા કેસમાં સંબંધિત વહીવટી વિભાગે મુખ્ય સચિવ મારફતે વિભાગના સંબંધિત મંત્રી અને કાયદા મંત્રીનો નિર્ણય મેળવવાનો રહેશે તેમ નક્કી કરાયું હતું. તે સાથે જો બન્ને મંત્રીના નિર્ણયમાં તફાવત ઉભો થાય તો મુખ્યમંત્રીના આદેશ મેળવવાના રહેશે તેવી જોગવાઇ હતી. જે રદ કરીને હવે કોઇ બાબતે સંબંધિત વહીવટી વિભાગ અને કાયદા વિભાગ વચ્ચે મંતવ્યમાં તફાવત ઉદ્દભવે ત્યારે તે બાબતને મુખ્ય સચિવના અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે તેવી જોગવાઇ કરવામાં આવી છે.
તે ઉપરાંત આ કમિટીમાં કાયદા વિભાગ, નાણા વિભાગ (ખર્ચ), સામાન્ય વહીવટ વિભાગ અને સંબંધિત વહીવટી વિભાગના સચિવો સભ્ય તરીકે રહેશે. તે પછી સંબંધિત વહીવટી વિભાગ સંબંધિત બાબતે સમિતિના નિર્ણય મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરશે. 2022ના પરિપત્રની કચેરી કાર્યપધ્ધતિની અન્ય તમામ જોગવાઇ યથાવત રહેશે તેવી સ્પષ્ટતા છે.
રાજ્ય સરકારની કચેરીઓને લગતા કોર્ટ કેસમાં સંબંધિત વિભાગ અને કાયદા વિભાગ અલગ મંતવ્ય ધરાવતા હોય ત્યારે વહીવટી વિભાગના વડા બન્ને વિભાગો સહિત અન્ય મહત્વના વિભાગોના સચિવોનો પણ નિર્ણય લઇને વધુ પ્રક્રિયા હાથ ધરે તે સંદર્ભે આ ફેરફાર કરાયો છે.