મધ્ય પ્રદેશના અનુપપુરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિની હત્યાના પ્રયાસ બદલ કોર્ટે પત્નીને 10 વર્ષની સજા સંભળાવી હતી. આ દરમિયાન મહિલાએ ભરી અદાલતમાં ઝેર ગટગટાવી લેતા ત્યાં જ ફસડાઈ પડી હતી. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ તેની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.
હકીકતમાં 2020માં અંશુલ પાટકર નામના યુવકે પોતાના પિતા કમલા પાટકર પર હત્યાના ઈરાદે ગોળીબાર કર્યો હતો. જો કે આ હુમલામાં પિતાનો જીવ બચી ગયો હતો. આ મામલે કમલા પાટકરે ભાલૂમાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેણે પોતાની પત્ની કલ્પના પાટકર પર આરોપ મૂક્યો હતો.
કમલા પાટકરે પોતાની ફરિયાદમાં તેની પત્ની કલ્પના પાટકરની ઉશ્કેરણીના કારણે જ પુત્ર અંશુલે પોતાના પર ગોળીબાર કર્યો હોવાનું જણાવ્યું હતુ. આ ફરિયાદના આધારે પોલીસે કલ્પના પાટકર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
જ્યારે આ કેસમાં ગોળીબાર કરનાર ફરિયાદીનો પુત્ર અંશુલ છેલ્લા 2 વર્ષથી જેલમાં બંધ છે. આ કેસની સુનાવણી કોતમા કોર્ટમાં ચાલી રહી હતી. જેમાં કોર્ટે કલ્પના પાટકરને દોષિત ઠેરવીને 10 વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ સાથે જ કલ્પનાએ પોતાને સજા સંભળાવનાર મહિલા જજને ગાળો ભાંડતા વિષપાન કર્યું હતુ.
ભરી અદાલતમાં ઝેરી પદાર્થ પીતા જ આરોપી કલ્પના ત્યાં જ બેભાન થઈને ઢળી પડી હતી. જેથી પોલીસ દ્વારા તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે.